રાજ્યમાં ડીસા તાલુકાના માલગઢમાં ધર્મ પરિવર્તન કરી ચુકેલી પત્ની,પુત્રી અને પુત્રની હેરાનગતિથી ત્રાસેલા પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા હડકંપ મચ્યો છે. આત્મહત્યાનો પ્રયાસ કરનારા હરેશભાઇ સોલંકીના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવતા પોલીસે 5 લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની વિગત એવી છે કે રાજપુર ગવાડી ગામના એક વિધર્મી યુવકે હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ધર્મપરિવર્તન કરાવ્યું હતું. રસાણા કોલેજમાં અભ્યાસ કરતી માલગઢની યુવતી નેહા સોલંકી સાથે એજાજ શેખે પ્રેમ લગ્ન કર્યા હતા, બાદમાં યુવતીની માતા અને ભાઇને ધર્મ પરિવર્તન કર્યું હતું. એજાજ શેખે યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરાવી ત્રણેને અલગ રહેવા માટે 25 લાખની માંગણી કરતા યુવતીના પિતાએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
5 લોકો સામે ફરિયાદ
પરિવારમાં ધર્મ પરિવર્તન થતા પિતા હરેશભાઇ સોલંકીને ખુબ જ આઘાત લાગ્યો હતો. તેમાં પણ પુત્રએ તેમની સામે હાઈકોર્ટમાં અરજી કરી 25 લાખની માંગણી કરતા કંટાળેલા પિતાએ પાલનપુરમાં ઝેરી પ્રવાહી પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિવારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે એજાજ મુસ્તુફાભાઈ શેખ, મુસ્તુફા પાપાભાઇ શેખ, આલમ પાપાભાઇ શેખ, સત્તાર અબ્દુલભાઈ હાજી અને સોહીલ સત્તારભાઈ શેખ સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપીઓ વિરૂધ્ધ પોલીસે આત્મહત્યા માટે મજબુર કરવા, બળજબરી પૂર્વક નાણા પડાવવા, મદદગારી સહિતની કલમો 306,511, 384,506.1 અને 114 મુજબ ગુનો નોંધ્યો હતો.