આપણે મોટા મોટા શહેરોમાં રહીએ છીએ એટલે કદાચ આપણે એ મુશ્કેલીને નહીં સમજી શકીએ જે નાના ગામડાઓમાં રહેતા લોકોને પડતી હોય છે... વાત ખરાબ અને ખોટી પણ લાગી શકે છે પરંતુ આ વાસ્તવિક્તા છે આપણા ત્યાંની. આઝાદીને આટલા વર્ષ થઈ ગયા પરંતુ આજે પણ વિકસીત ગુજરાતના અનેક એવા ગામો છે જ્યાં પાણી નથી પહોંચી શક્યું. લોકોના ઘર સુધી પાણી પહોંચે તે માટે સરકાર અનેક યોજના લાવી. નલ સે જલ યોજનાના કારણે અનેક લોકોને લાભ થયો એની ના નથી પણ પરંતુ તે લોકોનું શું જેમના ઘરે નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું.
દાહોદનું એક ગામ જ્યાં નથી પહોંચ્યું પાણી
નલ સે જલ યોજનાની પોલ અનેક વખત ખોલી છે, આજે ફરી એક વખત એવા દ્રશ્યો બતાવવા છે જે અનેક વખત બતાવી ચૂક્યા છે. એક એવું ગામ બતાવવું છે જ્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ આજે પણ લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. નળ છે પરંતુ પાણીની સુવિધા નથી. આજે જે ગામની વાત કરવી છે તે ગામ દાહોદ પાસેનું છે અને તે ગામનું નામ છે સિંગાપોર.. ગામ બદલાય છે જિલ્લો બદલાય છે પરંતુ નથી બદલાતા દ્રશ્યો, નથી બદલાતી લોકોની પરિસ્થિતિ...
શહેર બદલાય છે પરંતુ પરિસ્થિતિ નથી બદલાતી
એક સમય હતો જ્યારે લોકોને પાણી ભરવા માટે અનેક કિલોમીટરો દુર જવું પડતું હતું. નદીના કિનારે પાણી માટે લોકો જતા હતા. અનેક વર્ષો બાદ પરિસ્થિતિ બદલાઈ.. અનેક ઘરોમાં નળની સુવિધા પહોંચી. નળમાંથી પાણી આવવા લાગ્યું અને તેમનું જીવન સરળ બની ગયું. આઝાદીના અનેક વર્ષો વિત્યા પરંતુ હજી સુધી પણ પરિસ્થિતિ નથી બદલાઈ. શહેરોમાં પરિસ્થિતિ બદલાઈ છે પરંતુ ગામડાઓમાં, અંતરિયાળ વિસ્તારના લોકો તો હજી એ જ પરિસ્થિતિ સ્થિતિમાં જીવે છે આટલા વર્ષો બાદ પણ... અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોના ઘર સુધી પાણી પહોંચે તે માટે નલ સે જળ યોજનાની શરૂઆત કરવામાં આવી.
નળ પહોંચી ગયો છે તો પાણી પણ પહોંચી જશે!
નલ સે જળ યોજના અંતર્ગત નળથી ગામડાઓના ઘરમાં પાણી પહોંચાડવામાં આવે છે. અનેક જગ્યાઓ પર સારા કામ પણ કરવામાં આવ્યા છે, યોજના અંતર્ગત કામ પણ થયું છે અને લોકોના ઘર સુધી નળથી પાણી પણ પહોંચ્યું છે. પરંતુ આ તો થઈ ખાલી થોડી જગ્યાઓની વાત. મુખ્યત્વેના ગામોમાં માત્ર નળ પહોંચ્યા છે પાણી નથી પહોંચ્યું. નળ લગાયે વર્ષો થઈ ગયા પરંતુ પાણી નથી આવ્યું. એવું પણ માની લઈએ કે નળ તો પહોંચી ગયા તો આવનાર સમયમાં પાણી પણ પહોંચી જશે.
પેપર પર તો 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે નલ સે જલ યોજના
એવી આશા પણ રાખીએ કે સરકારને ખબર હશે ને કે આ જગ્યા પર માત્ર નળ પહોંચ્યો છે પાણી નથી પહોંચ્યું...! પરંતુ આ આશા ત્યારે મરી જાય જ્યારે સરકાર તરફથી એવું કહેવામાં આવે કે 100 ટકા નલ સે જલ યોજનાનો અમલ થઈ ગયો છે. 2022માં વિધાનસભાની ચૂંટણી વખતે આવી વાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. સરકારની કદાચ એ ફરજમાં આવે છે કે એક વખત અંતરિયાળ વિસ્તારમાં જઈને જોવે કે સાચે 100 ટકા કામ પૂર્ણ થયું છે ખરૂં?