લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે ગુજરાતમાં કોઈ બે નામની ચર્ચા હતી તો એ હતા પરષોત્તમ રુપાલા અને ગેનીબેન ઠાકોરના... ફરી એકવાર આ બે નામની ચર્ચા થઈ છે એટલા માટે કેમ કે ભારત સરકારે તેમને મોટી જવાબદારી આપી છે..... બનાસકાંઠાના સાંસદ ગેનીબેન અને રાજકોટના સાંસદ પરષોત્તમ રુપાલાને ભારત સરકારે વધુ એક જવાબદારી આપી છે......
ગેનીબેન ઠાકોરને અને પરષોત્તમ રૂપાલાને સોંપવામાં આવી જવાબદારી
લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં પરષોત્તમ રુપાલા પોતે કરેલી ટિપ્પણીના કારણે ચર્ચામાં હતા. તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સાંસદ બનવા માટે એકલાહાથે ભાજપની સામે લડ્યા એવી ચર્ચાઓ હતી... હવે સાંસદ બની ગયા છે બંને નેતાઓ અને ભારત સરકારે તેમને જવાબદારી આપી છે... બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને રાજકોટના સાંસદ પરષોતમ રૂપાલાને વધુ એક જવાબદારી ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવી છે.
રાજકોટ AIIMSના સભ્ય બનાવવામાં આવ્યા બે સાંસદોને
આરોગ્ય વિભાગ તરફથી તેમને હવે દર્દીઓની કાળજી લેવા અને રાજકોટમાં AIIMSના સભ્ય પદે રહેવા માટે ખાસ જવાબદારી આપવામાં આવી છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અને રાજકોટના સાંસદ પરષોતમ રૂપાલાને ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી રાજકોટ AIIMSના સભ્ય બનાવવામાં આવ્યા છે. સાથે જ રાજકોટના AIIMSના સભ્ય પદે રહી દર્દીઓની સારવારમાં અગ્રેસર રહો તેવી શુભેચ્છાઓ ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી પાઠવવામાં આવી છે. સાંસદ ગેનીબેન ઠાકોરે આ માહિતી આપી છે.
બંને નેતાઓને પાઠવામાં આવી રહ્યા છે અભિનંદન
જોકે સાંસદ ગેનીબેન ઠાકોરને રાજકોટ AIIMSના સભ્ય બનાવતા કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ગેનીબેન ઠાકોરને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સાથે જ રાજકોટ AIIMS ના સભ્ય બનાવતા સાંસદ પરષોતમ રૂપાલાને ભાજપ આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. આ નિમણૂક સાથે, ગેનીબેન ઠાકોર હવે દેશની પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થાના નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગેનીબેન ઠાકોરની નિમણૂકને લઈને સ્થાનિક રાજકીય અને આરોગ્ય વર્તુળોમાં હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
સંસદમાં ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યા અનેક મુદ્દા
ઘણા લોકોએ આશા વ્યક્ત કરી છે કે એઈમ્સના પદ પર રહીને ગેનીબેન દર્દીઓની સેવામાં અગ્રેસર રહેશે. આ સાથે જ રુપાલાને પણ આ પદ મળ્યું છે એટલે તેમને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા પછી સંસદમાં સતત ગુજરાતના મુદ્દા ઉઠાવતા રહ્યાં છે... અગાઉ 31 જુલાઈએ ગેનીબેન અમિત શાહને પણ મળ્યા હતા. ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા બનાસકાંઠા, કચ્છ અને પાટણના ગામોમાં કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા BADP (બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ) હેઠળ જે ગ્રાન્ટ આપવામાં આવતી હતી તે વર્ષ 2020થી બંધ કરી દેવામાં આવી છે. તે ગ્રાન્ટ ત્રણેય જિલ્લાઓને ચુકવવાની માગ કરી છે અને નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ કરવાની રૂબરૂ મળીને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી હતી.