ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા ગુજરાત સરકારે શિક્ષણ મુદ્દાને લઈ મોટી જાહેરાત કરી છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે રાજ્ય સરકારે એન્જિનિયરિંગ અને મેડિકલ,ફાર્મસી જેવા વિવિધ કોર્ષ માતૃભાષામાં ભણાવવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની ભાષામાં અભ્યાસ કરી શકે તે માટે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
માતૃભાષામાં વિદ્યાર્થીઓ કરી શક્શે અભ્યાસ - જીતુ વાઘાણી
આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં શિક્ષણ મુદ્દાને લઈ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જીતુ વાઘાણીએ કહ્યું કે હમણાં જ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માતૃભાષામાં વિદ્યાર્થીને ભણાવામાં આવે તેવી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આજની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે માતૃભાષામાં સમજીને ભણવું એનાથી અનેક કુશળતા અને ક્ષમતાઓ બહાર આવતી હોય છે.
ગુજરાતીમાં તૈયાર કરાશે પાઠ્યપુસ્તકો
વધુમાં તેમણે કહ્યું કે આજના યુવાનો સરળતાથી જ્ઞાન મેળવીને સ્પર્ધામાં ઉભો રહી શકતો નથી. એના માટે રાજ્ય સરકારે એક નિર્ણય કર્યો છે. જે અંતર્ગત એન્જિનિયરિંગ, મેડિકલ અને ફાર્મસી MBA-MCAમાં હવેથી માતૃભાષામાં અભ્યાસ થઈ શકશે. તેમણે કહ્યું કે, તમામ પાઠ્યપુસ્તકોનું સાહિત્ય ગુજરાતીમાં તૈયાર કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવશે. રાજ્ય સરકારે ગત બજેટમાં અમારા વિભાગમાં 50 લાખની ફાળવણી એન્જિનિયરિંગ પુસ્તકોના ગુજરાતીમાં ભાષાંતર માટે કરી હતી. GTU દ્વારા એને કામગીરી સોંપવામાં આવી છે.