સુરત જિલ્લાના ઇસનપુર ગામ નજીક કોલેજના વિદ્યાર્થીઓને લઈને જતી ભરેલી ઇકો કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા 3 વિદ્યાર્થીના મોત થયા છે. સુરતની માલિબા કોલેજથી માંડવી જતી વખતે ખરવસા ઇસનપુર માર્ગમાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થતા અરેરાટી ફેલાઈ હતી. મૃતક વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા આજુબાજુમાં રહેલા લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને 108ની ટીમ ને જાણ કરી હતી.
ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડાયા
સુરતના ઇસનપુર ગામની હદમાં આ અકસ્માત સર્જાયો હતો, દુર્ઘટનના સમાચાર મળતા જ પોલીસ અને 108ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત 5 વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનો કચ્ચરધાણ વળી ગયો હતો. ઈકો કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા વાન ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં 5 જેટલા વિદ્યાર્થીઓને બારડોલીની સરદાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જયારે બે વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા
3 વિદ્યાર્થીના મોત, 5 ઘાયલ
આ ગમખ્વાર અકસ્માતમાં જે વિદ્યાર્થીઓના મોત થયા છે, તેમાં પારસ શાહ (રહે નવાપરા, માંડવી), જય અમરચંદ શાહ (કામરેજ) અને કીર્તન કુમાર ભાવસાર (મહુવા) ના મૃત્યુ થયા છે. જ્યારે પાંચ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. તનસિક પારેખ, મનશ્વી મેરૂલીયા, સુમિત માધવાણી, હેત્વી પારેખ નામના વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે દુર્ઘટના મામલે તપાસ હાથ ધરી છે.