જીવનમાં કંઈ પણ હાંસલ કરવું હોય તો જીવનમાં ધગસ હોવી ખૂબ જરૂરી છે. ઈચ્છાશક્તિ હોય તો માણસ કોઈ પણ મૂકામ હાંસલ કરી શકે. ગુજરાતમાં કથળી રહેલી શિક્ષણની પરિસ્થિતિની વાત તો ઘણી વકત કરી પરંતુ આજે વાત મહારાષ્ટ્રની કરવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભણવા માટે વિદ્યાર્થીઓ નાવડીમાં બેસી નદીના બીજા કિનારે પહોંચી રહ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તે મહારાષ્ટ્રના ભંદારાના અવલી ગામનો છે. પોતાની શાળા સુધી પહોંચવા માટે વિદ્યાર્થીઓ જીવનું જોખમ ઉઠાવે છે. નદી પર પુલ બનાવવામાં આવે તેવી માગ અનેક વખત કરવામાં આવી છે પરંતુ માગનો સ્વીકાર નથી થયો જેને કારણે નાવડીમાં સવાર થઈ વિદ્યાર્થીઓ એક કિનારેથી બીજા કિનારે પહોંચી રહ્યા છે.
ગામના વિદ્યાર્થીઓ નાવડીમાં બેસી પહોંચે છે શાળાએ
જેની પાસે ઘણું બધું હોતું હોય છે તેની પાસે જે નથી તે જ દેખાતું હોય છે. પરંતુ એવા બીજા અનેક લોકો હોય છે જેમની પાસે બહું ઓછું હોય છે તો પણ તે ખુશ હોય છે. જેની પાસે બધું હોય છે તે લોકોને ઘણી વખત નાની નાની વાતોમાં ફરિયાદ કરતા જોયા છે. તો બીજી તરફ એવા લોકો પણ હોય છે જેમની પાસે સુવિધાઓ ઓછી હોય છે પરંતુ તેમની પાસે છે જે હોય છે તેમાં તે ખુશ હોય છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓ નાવડીમાં બેસી પોતાની શાળાએ પહોંચી રહ્યા છે. મહારાષ્ટ્રના ભંદારાના અવલી ગામના વિદ્યાર્થીઓ શાળા પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ચુલબંદ નદીને પાર કરી વિદ્યાર્થીઓ ભણવા માટે જઈ રહ્યા છે.
પુલ બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને થઈ જાય સરળતા
વિદ્યાર્થીઓને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ડર તો લાગે છે પણ ભણવા માટે તેઓ પોતાના જીવને જોખમમાં મૂકે છે. તેમના ગામડામાં ચોથા ધોરણ સુધીની જ શાળા છે પરંતુ જો તેમને આગળ અભ્યાસ કરવો હોય તો બાજુના ગામમાં જવું પડે છે. બીજા ગામમાં પહોંચવા માટે નાવનો ઉપયોગ કરવો પડે છે. નાવડી જ્યારે ચાલે છે ત્યારે ડર તો લાગે છે પણ સારા ભણતર માટે આવો સંઘર્ષ કરવો પડે છે. નદી પર પુલ બનાવવામાં આવે તેની જરૂરત છે. નદી પર જો પુલનું નિર્માણ થાય તો જીવના જોખમે ભણવા માટે બીજા ગામમાં ન જવું પડે.