વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા માટે પ્રેરિત થાય તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. અનેક કાર્યક્રમો લોન્ચ કરવામાં આવે છે. 'પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા' જેવા પ્રોગ્રામ લોન્ચ કરાય છે પરંતુ ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ શું છે, શિક્ષણની વાસ્તવિક્તા શું છે તેનાથી આપણે વાકેફ છીએ. અનેક વખત શાળામાં જઈ જમાવટની ટીમ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવે છે જેમાં વાસ્તવિક્તા ઉજાગર થતી હોય છે. ત્યારે મહેસાણાના ધનાલી ગામમાં આવેલી બાળમંદિરની મુલાકાત જમાવટની ટીમે લીધી ત્યારે જે દ્રશ્યો દેખાયા તે આપણને નિરાશ કરી દે તેવા છે. ગુજરાતની અનેક સરકારી શાળાઓ કદાચ આ હાલતમાં જ હશે તેવું તમે આ દ્રશ્યો જોઈને મનમાં કહેશો..

જર્જરિત બિલ્ડીંગમાં ભણવા બાળકો મજબૂર!
ગુજરાતની સરકારી શાળા કેવી પરિસ્થિતિમાં છે તેનો રિપોર્ટ અનેક વખત જમાવટ દ્વારા બતાવવામાં આવ્યો છે. શાળાની જર્જરિત થઈ ગયેલી બિલ્ડીંગ અનેક વખત જમાવટના કેમેરામાં કેદ થઈ છે. શિક્ષણ પાછળ ભલે સરકાર કરોડોનો ખર્ચ કરતી હોય પરંતુ કરોડો ખર્ચ કર્યા બાદ પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં હોય છે. જર્જરિત થઈ ગયેલી બિલ્ડીંગમાં ભણવા ધનાલીમાં આવેલી જીવાબા બાલમંદિરના વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે.


કરોડો રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચાય છે પરંતુ આ છે વાસ્તવિક્તા..
સરકારી શાળામાં અદ્યતન સુવિધાઓ મળે, શાળામાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તે માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ વાસ્તવિક્તા શું છે તે આપણે જાણીએ છીએ. થોડી સરકારી શાળાઓ સારી હશે પરંતુ મુખ્યત્વે એવી અનેક સરકારી શાળાઓ એવી છે જ્યાં પાયાની સુવિધાઓ નથી હોતી. બિલ્ડીંગ ગમે ત્યારે પડી જશે તે ચિંતા વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને રહેતી હોય છે.


જીવન પર જોખમ હોવાને કારણે બહાર બેસવા બાળકો મજબૂર
સરકારી શાળાની વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે મહેસાણાના ધનાલીમાં આવેલી જીવીબા બાલમંદિરની પરિસ્થિતિ અમે જોઈ છે. જમાવટની ટીમે ત્યાં જઈને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું છે અને જે દ્રશ્યો સામે આવ્યા છે તે ડરાવી દે તેવા છે. એ શાળાની હાલત એવી છે જેને જોઈને આપણા મનમાં પ્રશ્ન થાય કે આ શાળા વિકાસશીલ મનાતા ગુજરાતની છે? ગુજરાતમાં થતા વિકાસના કાર્યોની વાતો વિશ્વભરમાં થતી હોય છે તે રાજ્યની શાળા આવી છે? પરંતુ આ નરી વાસ્તવિક્તા છે કે બાલમંદિરની બિલ્ડીંગ જર્જરિત થઈ ગઈ છે. બાળકને અંદર બેસાડવામાં આવે તો તેમના જીવન પર જોખમ રહે તે માટે આંગણવાડીના બાળકોને બહાર બેસાડવામાં આવ્યા છે. આંગણવાડીને લઈ અનેક વખત રજૂઆત કરી પરંતુ સરપંચ આ વાતને ગંભીરતાથી નથી લઈ રહ્યા.

સારૂં શિક્ષણ મેળવવું દરેક વિદ્યાર્થીનો અધિકાર
મહત્વનું છે કે જો પાયાનું શિક્ષણ જ બાળકોને સારૂં આપવામાં નહીં આવે તો તે પોતાના ભાવિનું ઘડતર કેવી રીતે કરી શકશે? શાળામાં આપવામાં આવતું શિક્ષણ બાળકના ઘડતર પર મહત્વનો રોલ નિભાવે છે, એ શિક્ષા બાળક સાથે આજીવન રહે છે. શાળામાં અપાતા શિક્ષણની જરૂરિયાત સમજવી પડશે. આ તો માત્ર એક જ શાળાનીપરિસ્થિતિ બતાવી છે અનેક શાળાઓ એવી હશે જ્યાં આવી જ પરિસ્થિતિ હશે. અનેક અંતરિયાળ ગામોમાં આવી જ બિલ્ડીંગોમાં દેશનું ભાવિનું ઘડતર થતું હશે.