Adivasi વિસ્તારોમાં ભણવા માટે વિદ્યાર્થીઓ 12 કિલોમીટર ચાલીને જવા મજબૂર! વિદ્યાર્થીઓ ભણે તે માટે લવાય છે યોજના પરંતુ..., જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-23 11:35:22

ગુજરાતને આપણે વિકસીત રાજ્ય માનીએ છીએ પરંતુ અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જે તે વાતને પોકળ સાબિત કરી દે છે. થોડા સમય પહેલા સાબરકાંઠાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં રસ્તા ના હોવાને કારણે દર્દીને અનેક કિલોમીટર સુધી ઝોળીમાં લઈ જવાની ફરજ પડી હતી. સાબરકાંઠામાં વિકાસ રસ્તામાં છે. સાબરકાંઠામાં રસ્તા બન્યા નથી પણ એનાથી પણ ભયાનક સ્થિતિ છોટાઉદેપુરની અને એના આસપાસની છે. ત્યાં પણ અનેક જગ્યાએ રસ્તા નથી બન્યા લોકોને ઝોળી કરીને હોસ્પિટલ લઈ જવા પડે છે.  

અંતરિયાળ વિસ્તારમાં નથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા!  

એક વીડિયો છોટાઉદેપુરથી સામે આવ્યો છે જેમાં બાળકો શિક્ષા મેળવવા અનેક મુશ્કેલી વેઠીને જઈ રહ્યા છે. બાળકો જીવના જોખમે ભણવા જઈ રહ્યા છે. ટ્રાન્સપોટેશનની વ્યવસ્થા ના હોવાને કારણે અનેક બાળકો કિલોમીટરો ચાલીને સ્કૂલે પહોંચે છે તો કોઈ બાળકો જે વાહન મળ્યું તેમાં ઘેંટા બકરાની જેમ બેસી શાળાએ પહોંચે છે. ટ્રાન્સપોટેશનની સુવિધા ના હોવાને કારણે બાળકોને આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.   

12 કિલોમીટર ચાલીને વિદ્યાર્થીઓ પહોંચે છે શાળાએ! 

જ્યારે આવા વીડિયો જોઈએ ત્યારે દુ:ખ થાય કે બાળકોને આવી રીતે ઘેટાં બકરાની જેમ કેમ ભરીને લઈ જાય છે. પણ પછી સવાલ ત્યાંનો ત્યાં આવીને અટકે છે કે ત્યાં કોઈ બસ કે બીજી કોઈ સુવિધા નથી તો શું કરશે એ લોકો.. આ વીડિયો પાવી જેતપુરના ભીખાપુરામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો છે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ૧૨ કિલોમીટર ચાલીને અભ્યાસ કરવા જવું પડે છે અને આની અસર એ બાળકોના અભ્યાસ પર પણ પડે છે. આપણે માત્ર એ સવાલ કરીએ છીએ કે આદિવાસી વિસ્તારના બાળકો ભણવાનું કેમ છોડી દે છે તો એનું મોટું કારણ આ પણ છે કે સુવિધા જ નથી હોતી.  છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે. છોટા ઉદેપુર જિલ્લાના બોર્ડનું પરિણામ છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ નબળું આવે છે.જેની પાછળ ઘણાં બધા પરિબળો કામ કરે છે. 


અંદાજીત 3 હજાર વિદ્યાર્થીઓ કરવા આવે છે અભ્યાસ 

ભીખાપુરા ત્રણ જીલ્લા છોટા ઉદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાની સરહદે આવેલું છે અને જીલ્લામાં શિક્ષણનું હબ ગણાય છે.ભીખાપુરા ખાતે ત્રણ ખાનગી અને બે સરકારી શાળાઓ આવેલી છે. જેમાં આજુબાજુના તેમજ દાહોદ અને પંચમહાલ જિલ્લાના મળી કુલ લગભગ ૩ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. મોટાભાગે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. વિદ્યાર્થીઓ સવાર સાંજ ચાલીને શાળાએ પહોંચે છે અને અભ્યાસ કરે  છે.


યોજનાઓ પાછળ વાપરવામાં આવે છે કરોડો રૂપિયા પરંતુ.. 

એકબાજુ સરકાર આદિવાસી બાળકોના અભ્યાસ માટે કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે,નવી નવી યોજનાઓ લાવે છે પરંતુ અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં નિષ્ફળ જાય છે ત્યારે આ સ્તિથિમાં એક જ પ્રશ્ન છે કે શું આ રીતે ભણશે ગુજરાત? માત્ર યોજનાઓ શરૂ કરવાથી નથી બદલાતું, ફરક ત્યારે પડે છે જ્યારે આ યોજનાઓ, યોજનાઓ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચે અને ત્યાંના લોકોને લાભ થાય. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?