રાજકોટના જસદણ તાલુકાના આંબરડી ગામે વિદ્યાર્થીને વીજ કરંટ આપવાની ઘટના સામે આવી છે. આંબરડી ગામે જીવન બોર્ડિંગના વિદ્યાર્થીને ગૃહપતિએ વીજકરંટ આપતા હડકંપ મચી ગયો છે. વિદ્યાર્થીએ સફાઈની મનાઈ કરતા વીજકરંટ આપવામાં આવ્યો હતો.
ધોરણ 8નો વિદ્યાર્થી હોસ્પિટલમાં દાખલ
જીવન બોર્ડિંગના ગૃહપતિ કિશન ગાંગળીયા તેમજ અન્ય ચાર જેટલા લોકો દ્વારા સફાઈ સહિતનું કામ ન કરવા બદલ વિદ્યાર્થીને વીજ કરંટ આપવામાં આવતા તે બેભાન થઈ ગયો હતો. વીજકરંટ આપતા ધોરણ 8નો 14 વર્ષનો વિદ્યાર્થી છેલ્લા 5 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારજનોએ શાળા સંચાલકો વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. રાજકોટ સિવિલમાં વિદ્યાર્થીએ પોતાને વિજકરંટ આપ્યો હોવાની વાત જણાવી છે. ગૃહપતિના આ ક્રુરતાને લઈ કારણે વાલીઓ રોષ જોવા મળી રહ્યો છે. સંચાલકોએ ગૃહપતિનો બચાવ કરતા કહ્યું કે વિદ્યાર્થી આંબલી ખાવા માટે ચડ્યો હોવાથી પડતા ઇલેટ્રીક કરંટ લાગ્યો છે જોકે પરીવારજનો આ વાતને નકારી રહ્યા છે. આ સમગ્ર ઘટનાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પિતાના ગૃહપતિ સામે ગંભીર આરોપ
વિદ્યાર્થીના પિતા જીણાભાઈ મેમરીયા સહિતના પરિવારજનો દ્વારા બોર્ડિંગના ગૃહપતિ સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે ગૃહપતિ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તેમનું બાળક છેલ્લા દોઢ વર્ષથી અહીં બોર્ડિંગમાં રહી અભ્યાસ કરે છે. અગાઉ પણ તેમના પુત્રને કામ ન કરવા બદલ હેરાન પરેશાન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પરિવારજનોને કરી હતી.