રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ વધતા ગુજરાત હાઈકોર્ટ એક્શનમાં આવી હતી, હાઈકોર્ટના આદેશથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર રખડતા ઢોરને પકડવા કામે લાગ્યું હતું. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોર પકડવા અને તેના માલિકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. AMCના આ પગલાનો માલધારીઓ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે હવે તો અમદાવાદમાં લાઇસન્સ અને પરમિટ વગર પશુ રાખી શકાશે નહીં, માલધારીઓએ લાઇસન્સ વિનાનાં ઢોરને શહેર બહાર ખસેડવા પડશે. આજે 1 ડિસેમ્બરના રોજ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓઢવ વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ડેડલાઈન પુરી થતા AMC તંત્ર એક્શનમાં
અમદાવાદના રસ્તા પર લાઇસન્સ વિનાના રખડતા ઢોર જોવા મળશે તો આજથી તેને જપ્ત કરવામાં આવશે. જો કોઇ પણ પશુ માલિક પાસે હવે લાઇસન્સ નહીં હોય તો તેમના ઢોરને શહેરની બહાર ખસેડવા પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજથી એટલે કે 1 ડિસેમ્બરથી ઢોર પોલિસીનો ચુસ્ત અમલ કરશે. આજથી રોડ ઉપર રખડતા જોવા મળતા પશુઓને પકડી મ્યુનિસિપલ તંત્ર ઢોરના ડબામાં પુરી દેશે.
ઢોર નિયંત્રણ પોલિસીનો અમલ
ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોર મામલે રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રની આકરી ઝાટકણી કાઢ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 સપ્ટેમ્બરથી અમદાવાદ શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ પોલિસીનો અમલ શરૂ કરાયો હતો. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા શહેરને રખડતા પશુઓના ત્રાસમાંથી મુકત કરાવવા માટે ઝોન મુજબ અલગ અલગ ટીમ બનાવી હતી. 90 દિવસ સુધી ઢોર માલિકોને પોતાના ઢોર રાખવા માટે લાઇસન્સ, પરમિટ અને રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. આજે 1 ડિસેમ્બરના રોજ લાઇસન્સ અને પરમિટ મેળવવા માટેના દિવસો પૂર્ણ થયા છે, પરંતુ અમદાવાદમાં હજારો પશુ માલિકોએ હજી સુધી લાઇસન્સ અને પરમિટ મેળવી નથી. ઢોર નિયંત્રણ પોલિસી મુજબ ઢોર રાખવાની જગ્યા સહિત વિવિધ પ્રશ્નોને લઈ તેઓને લાઇસન્સ આપવામાં આવ્યા નથી.