રાજકોટમાં શનિવારે બનેલી દુર્ઘટનામાં 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે. અનેક પરિવારોને મૃતદેહો મળી ગયા છે પરંતુ અનેક પરિવારોને મૃતદેહ મળ્યા નથી. આ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.. એસઆઈટીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદી છે. રાજકોટ અગ્નિકાંડ મામલે આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં આ મામલે આગળ શું કાર્યવાહી કરાશે તે અંગે ચર્ચા થઈ. સુભાષ ત્રિવેદીએ કહ્યું કે આઈએએસ, આઈપીએસની પૂછપરછ કરવામાં આવશે.
દુર્ઘટનાને લઈ તપાસ કરશે એસઆઈટી
રાજ્યમાં અનેક એવી ગોઝારી દુર્ઘટનાઓ સર્જાઈ છે જેને કારણે અનેક લોકોના મોત થયા છે. દુર્ઘટનાઓમાંથી આપણે શીખતા નથી જેને કારણે બીજી વખત પણ દુર્ઘટના સર્જાય છે.. જ્યારે કોઈ દુર્ઘટના થાય છે ત્યારે તે દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવે છે.. રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ એસઆઈટીની રચના કરવામાં આવી.. આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે એસઆઈટીના સભ્યોની બેઠક હતી.
બેઠકમાં કોણ કોણ હતું હાજર?
બેઠકમાં SIT વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધી પાની, FSLના ડાયરેક્ટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન.ખડિયા, માર્ગ અને મકાન વિભાગના સુપરિટેન્ડિંગ એન્જિનિયર હાજર હતા તેવી માહિતી સામે આવી છે. લગભગ દોઢ કલાક જેટલી ચાલેલી બેઠક બાદ આગળનો એક્શન પ્લાન એસઆઈટીના અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યો હતો.
શું કહ્યું એસઆઈટીના અધ્યક્ષે?
મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે રાજકોટ અગ્નિકાંડ મામલે હવે તમામ IAS, IPS અધિકારીઓની પૂછપરછ કરવામા આવશે. કલેક્ટર, મનપા કમિશનરોની પણ પૂછપરછ થશે. 2021થી 2024 દરમિયાનના સેવા બજાવનાર તમામ પોલીસ કમિશનરોની પણ પૂછપરછ થશે. એવું કહેવામાં આવ્યું કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈને છોડવામાં નહીં આવે ત્યારે જોવું રહ્યું કે આ મામલે એસઆઈટી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તેની પર સૌ કોઈની નજર રહેશે.