અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતાં ઢોરના ત્રાસમાંથી લોકોને મુક્ત કરાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને 22 ટીમો બનાવી 1 સપ્ટેમ્બરથી સઘન ઝુંબેશ હાથ ધરીને ત્રણ મહિનામાં 8121 પશુઓ પકડ્યા છે. તેમજ 209 પશુ માલિકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 33 જેટલી ઘર્ષણ અને હુમલાની ફરિયાદો નોંધાવાઈ છે. આજે મનપાની ઢોર પકડ ટીમ દ્વારા 76 ઢોર પકડવામાં આવ્યા છે. ગત ત્રણ મહિનામાં 28 હજાર કિલો ઘાસચારો જપ્ત કરીને 12 જેટલા ઘાસચારાના વેચાણની ફરિયાદો દાખલ કરવામાં આવી છે. પશુમાલિકોને 922 જેટલી નોટિસ ઇસ્યૂ કરવામાં આવી છે.
પરમીટ મેળવવા માટે 1070 અરજી મળી
અમદાવાદમાં પશુઓ રાખવાનું લાયસન્સ / પરમીટ મેળવવા માટે સમગ્ર શહેરમાંથી કુલ 1070 જેટલી અરજી આવેલ જે પૈકી 123 જેટલા લાયસન્સ / પરમીટ ઇસ્યુ કરાયેલ છે તથા 309 જેટલી અરજીઓ પુરાવાના અભાવે રદ કરવામાં આવેલ છે.પશુ રજીસ્ટ્રેશન માટે કુલ 1148 અરજી મળેલ તથા 7742 જેટલા પશુઓનું રજીસ્ટ્રેશન આ સમયગાળામાં થયેલ છે. શહેરનાં 7 ઝોનના વિવિધ વિસ્તારોમાં પશુપાલકોએ રખડતાં મૂકલા પશુઓ પકડવામાં આવ્યા છે.
આ વર્ષે 13958 જેટલા પશુઓ પકડાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોન / વોર્ડ / વિવિધ વિસ્તારોમાં ટીમો દ્વારા શહેરમાં ત્રણ શીફટમાં કામગીરીઓ કરી ચાલુ માસમાં 2340 થી વધારે પશુઓ પકડવાની, તથા ચાલુ વર્ષમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 13958 જેટલા પશુઓ પકડવામાં આવેલ તથા 460 પશુમાલિકો સામે ફરિયાદ દાખલ કરી વિવિધ કાયદેસરની કાર્યવાહીઓ પણ કરવામાં આવી છે.