રાજ્યમાં રખડતાં શ્વાનનો આતંક પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં લોકો રખડતાં શ્વાન અથવા તો રખડતાં ઢોરને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોય છે અથવા તો મોતને ભેટતા હોય છે. ત્યારે લોકસભામાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ એક આંકડો રજૂ કર્યો હતો જેમાં દેશભરમાં શ્વાન હુમલાના કેટલા કિસ્સાઓ બન્યા છે. જ્યારે આ પ્રશ્નના જવાબમાં એ આંકડો સામે આવ્યો છે તે ચોંકાવી દે તેવો છે. કારણ કે આ આંકડો લાખોમાં નોંધાયો છે.
ગુજરાતે પાંચમા ક્રમે મેળવ્યું સ્થાન
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન એટલે કે વર્ષ 2020થી 2023 સુધીમાં ગુજરાતમાં કુલ 7.93 લાખ લોકો રખડતાં શ્વાનના હુમલાનો શિકાર બન્યા છે. 2022ની વાત કરીએ તો 1.69 લાખ લોકોને કૂતરા કરડ્યા હતા. શ્વાન એટેકમાં ગુજરાતના સ્થાનની વાત કરીએ તો આપણું રાજ્ય પાંચમા સ્થાને આવે. સૌથી પહેલા જે રાજ્યોમાં કૂતરા કરડવાની વાત કરીએ તો તે રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક તેમજ બિહારનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં એક વર્ષમાં એટલે કે 2022માં નોંધાયેલા શ્વાન કરડવાના કિસ્સાઓની વાત કરીએ તો 3.90 લાખ લોકોને શ્વાને પોતાનો શિકાર બનાવ્યા છે. બીજા ક્રમ પર આવે છે તમિલનાડુ ત્યાં 3.64 લાખ લોકો રખડતાં શ્વાનના હુમલાનો શિકાર બન્યા છે. ઉત્તર પ્રદેશમાં રહેતા 1.91 લાખ લોકોને રખડતાં શ્વાનનો ભોગ બનવું પડ્યું હતું. આંધ્રપ્રદેશના આંકડાની વાત કરીએ તો 1.89 લાખ લોકો શિકાર બન્યા છે અને આ રાજ્ય ચોથા ક્રમે નોંધાયું છે. જ્યારે ગુજરાત પાંચમા ક્રમે આવ્યુંછે.
અનેક વખત અકસ્માતનું કારણ બનતા હોય છે રખડતાં શ્વાન
મહત્વનું છે પ્રતિદિન રખડતા શ્વાન અથવા તો પશુ દ્વારા કરવામાં આવતા હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક લોકોના મોત પણ રખડતાં શ્વાન તથા રખડતા ઢોરને કારણે થયા છે. અમદાવાદ શહેરમાં પણ આતંક જોવા મળી રહ્યો છે. દર થોડા દિવસે એવા સમાચાર સામે આવતા હોય છે જેમાં અકસ્માત રખડતાં ઢોર અથવા શ્વાનને કારણે થયા હોય. અનેક વખત હાઈકોર્ટ દ્વારા આ મામલે ટકોર કરવામાં આવી છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં હોય તેવું લાગે છે. એક તરફ ખરાબ રસ્તાથી લોકો પરેશાન તો બીજી તરફ રખડતાં શ્વાનના હુમલાનો ડર. લોકો જાય તો જાય ક્યા?