ગુજરાતમાં રખડતા પશુ તેમજ શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શેરી કુતરાઓને કારણે અનેક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. અનેક વખત શ્વાનના હુમલાને કારણે અનેક લોકોના મોત પણ થતાં હોય છે. સુરતમાં રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. માત્ર 15 દિવસની અંદર સુરત મહાનગર પાલિકાના વિસ્તારમાં 477 કેસ નોંધાયા છે જેમાં શ્વાને હુમલો કરી દીધો છે. કૂતરા કરડવાના 477 કેસ સામે આવતા શ્વાનને પકડવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો લાખો લોકો પર કૂતરાએ હુમલા કર્યા હોય તેવા બનાવ સામે આવ્યા છે. 2019માં 4.80 લાખ કેસ નોંધાયા, વર્ષ 2020માં 4.31 લાખ જેટલા કેસ નોંધાયા, 2021માં 1.92 લાખ કેસ નોંધાયા જ્યારે વર્ષ 2022માં 1.44 લાખ કૂતરા કરડવાના કિસ્સાઓ બન્યા છે.
15 દિવસમાં શ્વાન કરડવાના 477 જેટલા કેસ નોંધાયા
આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં રખડતા પશુ તેમજ શ્વાન હુમલો કરતા હોય છે. શ્વાન તેમજ ગાય દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે તો અનેક લોકોના તો મોત પણ થતાં હોય છે. ત્યારે માત્ર સુરતમાં 15 દિવસમાં 477 જેટલા કેસ નોંધાયા છે જેમાં શ્વાને લોકોને કરડયા છે. તે ઉપરાંત અનેક વખત ગાયને કારણે પણ લોકોના જીવ સંકટમાં મૂકાતા હોય છે.
રખડતા પશુઓને કારણે લોકોના જીવ મૂકાય છે સંકટમાં
થોડા દિવસો પહેલા ગાયે ઘરની બહાર રમતા બાળક પર હુમલો કર્યો છે. જેને કારણે બાળકના માથાના ભાગે તેમજ આંખમાં ઈજા થઈ હતી. તે ઉપરાંત શ્વાનના હુમલાને કારણે એક બાળકનું મોત થયું છે જ્યારે બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રખડતા શ્વાન કે રખડતા પશુના હુમલાના કિસ્સાઓ વધતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.