રાજ્યમાં રખડતાં શ્વાનનો આતંક સતત વધતો જોવા મળી રહ્યો છે. શ્વાનના હુમલાને કારણે અનેક લોકોના મોત થાય છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. એવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં રખડતાં શ્વાનના હુમલાને કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવો પડે છે. ત્યારે સુરતમાં પણ રખડતા શ્વાનના હુમલાને કારણે 5 વર્ષના બાળકનું મોત થયું છે. બાળકને શ્વાને અનેક બચકાં ભર્યા હતા, જેને લઈ ગંભીર રીતે બાળક ઘાયલ થયો. સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ત્યારે વધુ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમાં મહિલાનું મોત થયું છે.
રાજકોટમાં એક મહિલાનું થયું મોત
રખડતા ઢોર બાદ રખડતાં શ્વાનનો આતંક વધી રહ્યો છે. રખડતાં શ્વાનના આતંકની એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં શ્વાનના હુમલાનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. તાજેતરમાં જ બે કિસ્સા બન્યા છે જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે. એક ઘટના સુરતમાં બની હતી જ્યારે બીજી ઘટના રાજકોટમાં બની હતી. રાજકોટમાં ઘટના બની છે જેમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દંપત્તિ બાઈક પર જઈ રહ્યું હતું ત્યારે કૂતરાએ મહિલાની સાડીનો છેડો પકડી લીધો હતો. જેને કારણે મહિલા નીચે પટકાઈ હતી. જે બાદ સારવાર દરમિયાન મહિલાનું મોત થઈ ગયું હતું.
સુરતમાં પણ જોવા મળ્યો રખડતાં શ્વાનનો આતંક
બીજી ઘટના સુરતમાં બની છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં શ્વાને 5 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે બચકાં ભરી લેતા તેનું મોત થયું છે. સારવાર અર્થે બાળકને ખસેડવામાં આવ્યો પરંતુ તે કાળનો કોળિયો બની ગયો હતો. માસુમ બાળકનું મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. ન માત્ર સુરતમાં કે રાજકોટમાં રખડતાં શ્વાનનો ત્રાસ જોવા મળે છે પરંતુ દરેક જગ્યા પર રખડતા પશુનો તેમજ રખડતાં શ્વાનનો આતંક જોવા મળે છે. ક્યાં સુધી રખડતાં શ્વાનનો ભોગ લોકો બનતા રહેશે. ત્યારે એક પ્રશ્ન થાય કે આ મોતની પાછળ જવાબદાર કોણ?