એક તરફ લોકો રખડતા પશુઓને કારણે પરેશાન છે તો બીજી તરફ રખડતા શ્વાનનો ત્રાસ પણ વધી રહ્યો છે. રખડતા પશુઓને કારણે અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે. ત્યારે સુરતમાં રખડતા શ્વાને એક બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાનને બાળકીના ગાલ પર બચકા ભર્યા છે. બાળકીને બચાવવા ગયેલી મહિલા પર શ્વાને હુમલો કર્યો હતો.
સુરતમાં જોવા મળ્યો શ્વાનનો આતંક
રાજ્યના લોકોને રખડતા પશુઓને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ રખડતા શ્વાનનો આતંક પણ સતત વધી રહ્યો છે. અનેક વખત ચાલતા લોકો પર શ્વાન હુમલો કરી દેતા હોય છે. અવાર-નવાર શ્વાન નાના બાળકો પર તેમજ વૃદ્ધો પર હુમલો કરતા હોય છે. ત્યારે વિચલીત કરતી ઘટના સુરતથી સામે આવી છે જેમાં રખડતા શ્વાને બાળકી પર હુમલો કરી દીધો હતો. બાળકીના ગાલ પર બચકા ભર્યા છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
બચાવવા આવેલી મહિલા પર પણ કર્યો હુમલો
મળતી માહિતી અનુસાર આ ઘટના કુલપાજા હંસ સોસાયટી નજીકની છે. બાળકી ઘર પાસે ઉભી હતી તે બાદ દોડતી દોડતી જઈ રહી હતી. તે દરમિયાન શ્વાને બાળકી પર હુમલો કર્યો. બાળકીને શ્વાને નીચે પાડી દીધી અને તે બાદ તેને બચકા ભર્યા હતા. બાળકીએ બુમાબુમ કરી અને જે બાદ એક મહિલા તેને બચાવવા આગળ આવી પરંતુ શ્વાને તેમની પર પણ હુમલો કર્યો હતો. બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા તંત્રની ટીમ ત્યાં આવી પહોંચી હતી. લોકોના આવવાથી શ્વાન ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.