રાજ્યમાં રખડતા ઢોરનો આતંક દિન પ્રતિ દિન વધી રહ્યો છે, અત્યાર સુધીમાં અનેક લોકોના મોત અને ઘાયલ થઈ ચુક્યા છે. હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને લપડાક લગાવી હોવા છતાં પરિસ્થિતી જૈસે થે છે. વાંકાનેરમાં રખડતા ઢોરના આતંકની ઘટના સામે આવી છે. જેમાં દિવાનપરા વિસ્તારમાં રસ્તે જતાં વૃદ્ધ મહિલાને ઢોરે અડફેટે લેતાં વૃદ્ધાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ઢોર પકડવાના મામલે કોઈ નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ છે અને CCTV સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે.
વૃધ્ધાને હોસ્પિટલમાં ખસેડાયા
વાંકાનેરની આ ઘટના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં બે વૃદ્ધ મહિલા રસ્તા પરથી ચાલીને જઈ રહ્યા છે. ત્યારે બે રખડતા ઢોર ત્યાં આવે છે. બેમાંથી એક ઢોર વૃદ્ધ મહિલાની પાછળ દોડે છે. વૃદ્ધા પોતાને બચાવવાનો પ્રયાસ કરે છે તેની સાથે રહેલી અન્ય મહિલા પણ ત્યાં આવે છે પરંતુ ત્યાં સુધીમાં વૃદ્ધાની પાછળ રહેલો ઢોર તેને પોતાના શીંગડા પર ઉઠાવી લે છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં તેને જોરથી રસ્તા પર પટકે છે. જેને પગલે વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇને બેભાન થઈ જાય છે. ત્યાર બાદ અન્ય મહિલા વૃદ્ધાની પાસે પહોંચે છે અને આસપાસના લોકોની મદદથી વૃધ્ધાને સારવાર માટે ખસેડવામાં આવી છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેદ થઇ છે અને તે સીસીટીવી સોસીયલ મીડિયામાં વાઈરલ થયા છે પરંતુ તંત્ર દ્વારા આ વિડીયો જોઇને રખડતા ઢોર મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પ્રજાજનોને રામ ભરોસે જ રોડ પરથી પસાર થવું પડશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.