દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન દોડે છે. વંદે ભારત ટ્રેનને અનેક વખત અકસ્માત પણ નડ્યા છે. કોઈ વખત ગાય ટ્રેક પર આવી જાય છે તો કોઈ વખત ટ્રેન પર પથ્થરમારો થાય છે. ત્યારે રાજકોટમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર હર્ષ સંઘવી ઈ1 કોચમાં હતા. પથ્થરમારો બિલેશ્વર સ્ટેશન પાસે થયો હતો. પથ્થરમારો થતા વંદે ભારતના ટ્રેનના કાચને નુકસાન પહોંચ્યું છે.
(ફાઈલ તસવીર)
હર્ષ સંઘવી પણ વંદે ભારત ટ્રેનમાં કરી રહ્યા હતા પ્રવાસ
વંદે ભારત ટ્રેન જ્યારથી શરૂ થઈ છે ત્યારથી ટ્રેન અનેક વખત અકસ્માતનો શિકાર બની છે. અનેક વખત તો એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ઉદ્ધાટન થયાના થોડા દિવસોની અંદર જ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હોય અથવા તો ગાય ટ્રેક પર આવી હોય જેને કારણે અકસ્માત સર્જાયો હોય. આવા અનેક કિસ્સાઓ છે. ત્યારે ફરી એક વખત વંદે ભારત ટ્રેન પર રાજકોટ નજીક પથ્થરમારો કરવામાં આવ્યો છે જેમાં ટ્રેનના કાચને નુકસાન પહોંચ્યું છે. હર્ષ સંઘવી પણ આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મંત્રી ઈ1 કોચમાં હતા જ્યારે આ પથ્થરમારો C4 અને C5 કોચ પર કરવામાં આવ્યા હોય તેવી માહિતી સામે આવી છે.
અનેક કોચના ફૂટ્યા કાંચ
મળતી માહિતી અનુસાર પથ્થરમારો થયા બાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ પથ્થરમારા અંગે મંડળ સુરક્ષા આયુક્ત, પવનકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે, રાજકોટ સ્ટેશનના ચાર કિલોમીટર પહેલા આ પથ્થરમારો થયો હતો. જેના કારણે વંદે ભારત ટ્રેનના C4 અને C5 કોચના કાંચ ફૂટ્યા હતા. જોકે, આ પથ્થરમારાથી કોઈ મોટી નુકસાની નથી થઇ. કોઈ વ્યક્તિને ઇજા પણ પહોંચી નથી. મહત્વનું છે કે અનેક વખત આવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હોય.