એક તરફ ભગવાન રામની ભક્તિમાં દેશ આખો લીન થયો છે તો બીજી તરફ ગુજરાતમાં શાંતિ ખોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રામ ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે જેમાં 10 જેટલી મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. વડોદરાના ભોજ ગામમાં ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન કેટલાંક અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. પથ્થમારા ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગઈકાલે પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. અસામાજીક તત્વો દ્વારા આ પથ્થરમારો કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે.
ભોજ ગામમાં બની પથ્થરમારાની ઘટના!
ગઈકાલે મહેસાણાના ખેરાલુથી સમાચાર સામે આવ્યા કે રામ ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગુજરાતની શાંતિને ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે આજે આવી ઘટના વડોદરાથી સામે આવી છે. વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામમાં જ્યારે ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી તે વખતે પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 10 જેટલી મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. ઘટનાને પગલે ભોજ ગામમાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલાને શાંત પાડવાની કોશિશ કરી, લોકોને સમજાવાની કોશિશ કરી હતી. પાદરાના પીઆઈ તડવીએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
શું હતી મહેસાણાની ઘટના?
મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પણ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હાટડીયા રામની શોભાયાત્રા દરમિયાન ખેરાલુ કડીયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બન્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. શોભાયાત્રા બેલીમ વાસ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પરથી કેટલાક યુવકો અને મહિલાઓના સહિતના ટોળાએ શોભાયાત્રા પર અચાનક પથ્થર મારો કર્યો હતો. ધાબા ઉપર થી મહિલાઓ અને પુરુષોએ રેલી ઉપર પથ્થર મારો કર્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો. ઘટનાની જાણ થતાં ખેરાલુ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પથ્થરમારો કરનાર સામે પોલીસે કડક કાર્યવાહી કરવાની શરૂ કરી છે.
પોલીસે 10 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા
ખેરાલુમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા વાજતે ગાજતે નિકળી હતી પરંતું મસ્જિદ આગળથી પસાર થતા જ શોભાયાત્રા દરમ્યાન પથ્થરમારો અચાનક જ શરુ થયો હતો. અચાનક પથ્થરમારાની ઘટના સામે આવતા લોકોમાં અફરા-તફરી સર્જાઈ હતી. પોલીસે આશરે 10 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને મામલો શાંત પાડવા માટે પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકાયો હતો. ત્યારે આજે ભગવાનની શોભાયાત્રા પર વડોદરામાં પથ્થરમારો કરવામાં આવ્યો છે.