30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં વંદે ભારતને લીલી ઝંડી બતાવી હતી. ટ્રેનની સુવિધા શરૂ થવાના થોડા દિવસો બાદ જ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પહેલી જાન્યુઆરીના રોજ ટ્રેન પથ્થરમારાનો શિકાર બની હતી. ટ્રેન પર કરવામાં આવેલા હુમલામાં કોચના કાચ તૂટી ગયા હતા. 24 કલાકમાં બીજી વખત વંદેભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફરી એક વખત ટ્રેનના સી-14 ડબ્બા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને લઈ તપાસ કરવામાં આવી રહી છે.
ટ્રેન પર ત્રીજી વખત થયો હુમલો
દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ આ ટ્રેનની સુવિધા ચાલી રહી છે. ત્યારે થોડા સમય પહેલા પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં આ સેવાની શરૂઆત કરી હતી. પરંતુ ટ્રેનની શરૂઆત થયાના એક-બે દિવસ બાદ જ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેને કારણે ટ્રેનને નુકસાન પહોંચ્યું હતું. 24 કલાકની અંદર ટ્રેન પર બીજી વખત પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં ટ્રેનના કાચ તૂટી ગયા હતા. આ ઘટનાને કારણે ટ્રેનને બોલપુર સ્ટેશન પર થોડા સમય માટે રોકવી પડી હતી.
ગુજરાતમાં ચાલતી વંદે ભારત ટ્રેનને પણ નડ્યો છે અકસ્માત
પથ્થરમારો થવાને કારણે ટ્રેનને નુકસાન પહોંચતું હોય છે. આજે ફરી એક વખત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પહેલી અને બીજી જાન્યુઆરીએ તો હુમલો થયો હતો પરંતુ ફરી એક વખત આજે ટ્રેન પર નિશાન સાધવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ જે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે તે પણ અનેક વખત અકસ્માતનો શિકાર બની ચૂકી છે. અનેક વખત ટ્રેક પર રખડતા પશુ આવી જતા ટ્રેનને નુકસાન પહોંચ્યું છે.