શેર બજાર માટે આજનો દિવસ બ્લેક મન્ડે સાબિત થયો. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવારે જ બીએસઈ સેન્સેક્સ 861.25 (1.46%) પોઈન્ટ તુટીને 57,972.62 પર જ્યારે એનએસઈનો નિફ્ટી 246 (1.40%) તુટીને 17,312.90 પર બંધ રહ્યો. આજે એફએમસીજીને બાદ કરતા તમામ સેક્ટરના શેરોએ ખરાબ પ્રદર્શન કર્યું હતું.
સવારે શેર બજાર ખુલતા જ 30 શેરોનો સેન્સેક્સ 1300 પોઈન્ટ (2.23 ટકા) તુટી ગયો હતો. નિફ્ટી પણ 385 અંક ગગડ્યો હતો. આ સમયે સેન્સેક્સની માત્ર બે જ કંપની નેસ્લે અને હિંદુસ્તાન યૂનીલીવર લીલા નિશાન પર જોવા મળી હતી.
શા માટે શેર માર્કેટમાં થયો કડાકો?
અમેરિકાના કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના ભાષણ બાદ વૈશ્વિક બજારોમાં મંદીની આશંકા પ્રબળ બની છે. જેરોમના આ ભાષણની અસર ભારતીય શેર બજાર પર પણ જોવા મળી. પોવેલે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે 'અમેરિકાની ફેડરલ રિઝર્વ તેની વ્યાજ દર વધારવાની નીતિને વળગી રહેશે. જ્યાં સુધી મોંઘવારી કાબુમાં ન આવે ત્યાં સુધી આ નીતિ ચાલુ રહેશે. તેમની આ નીતિથી દેશની આર્થિક વૃધ્ધીને ધક્કો લાગે તો પણ નાણાકિય નીતિમાં ઢીલાશ રાખવામાં આવશે નહીં.' વિશ્વના અન્ય શેરબજારો જેવા કે જર્મની અને બ્રિટનના સ્ટોક એક્સચેન્જ પણ મોટા ઘટાડા સાથે બંધ રહ્યા હતા.