અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વએ આગામી વર્ષે વ્યાજ દરોમાં કાપ મુકવાના સંકેત આપ્યા છે. આ જ કારણે સમગ્ર વિશ્વના શેર બજારોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ભારતમાં પણ તેજીનો આંખલો ભૂંરાયો થયો છે. વિદેશી બજારોમાંથી આવી રહેલા પોઝીટીવ સંકેતોના દમ પર સેન્સેક્સ અને નિફ્ટી આ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે આજે શુક્રવારે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. તેમાં પણ મેટલ શેરોમાં છેલ્લા એક મહિનામાં 25 ટકા સુધીની તેજી આવી છે, રોકાણકારોએ છેલ્લા પાંચ દિવસમાં 8.55 લાખ કરોડની કમાણી કરી છે.
શેર બજાર કેટલું ઉછળ્યું?
ભારતીય શેર બજારમાં આજે પણ ફુલગુલાબી તેજી જોવા મળી હતી. BSEનો સેન્સેક્સ 970 પોઈન્ટ એટલે કે 1.37 ટકાની તેજી સાથે 71,484 પર પહોંચ્યો છે. જ્યારે NSEનો નિફ્ટી 274 પોઈન્ટ એટલે કે 1.29 ટકાની તેજી સાથે 21,456 પર બંધ રહ્યો હતો. બેંકિંગ, ફાઈનાન્સિયલ, મેટલ, અને આઈટી શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. BSEની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ શુક્રવારે 2.76 લાખ કરોડ રૂપિયાથી વધીને 357.78 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. શેર બજારમાં આ સપ્તાહે 8.55 લાખ કરોડ રૂપિયાની તેજી જોવા મળી છે.
આ શેરો 5 થી 6 ટકા વધ્યા
સેન્સેક્સ શેરોમાં સૌથી વધુ ઉછાળો એચસીએલ ટેક, ટીસીએસ અને ઈન્ફોસીસ હતો. આ શેર 5 થી 6 ટકા વધ્યા હતા. એસબીઆઈ, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, એનટીપીસી અને વિપ્રોના શેર પણ વધ્યા હતા. બીજી તરફ નેસ્લે, ભારતી એરટેલ, મારુતિ અને આઈટીસીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટોરલ મોરચે, નિફ્ટી આઇટી 4.5 ટકા જ્યારે નિફ્ટી મેટલ અને નિફ્ટી પીએસયુ બેન્ક બે ટકાથી વધુ વધ્યા હતા. જોકે, નિફ્ટી ઓટો, એફએમસીજી, મીડિયા અને રિયલ્ટીમાં ઘટાડો નોંધાયો હતો.
આ મેટલ શેરોમાં જબરદસ્ત રિટર્ન
એક મહિનામાં મેટલ શેરોએ જબરદસ્ત રિટર્ન આપ્યું છે, તેમાં પણ SAIL કંપનીના શેરોએ મેટલ પેકમાં સૌથી વધુ વળતર આપ્યું છે. મેટલ શેરોમાં 25 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તે ઉપરાંત જિંદાલ સ્ટેનલેસ, હિન્દુસ્તાન કોપર, JSW સ્ટીલ, જિંદાલ સ્ટીલ અને પાવરે પણ સારું વળતર આપ્યું છે. નેશનલ એલ્યુમિનિયમ કંપની, ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન ઝિંક અને હિન્દાલ્કો જેવા શેરોએ પોઝિટિવ રિટર્ન આપ્યું છે, પરંતુ નિફ્ટીમાં તેમનો દેખાવ નબળો રહ્યો હતો. બીજી તરફ, રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ્સે નેગેટિવ વળતર આપ્યું છે.