વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પર્યટકો માટે ચાલતી ઈલેક્ટ્રિક રિક્ષાઓમાં આગ લાગી હતી. બુધવાર રાત્રે કેવડિયામાં ચાર્જિંગમાં મૂકેલી ઈ-રીક્ષામાં આગ લાગી હતી. જેના પગલે 20થી વધારે ઈલેક્ટ્રિક રીક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ હતી.
ચાર્જિંગમાં મૂકેલી ઈ-રીક્ષા બળીને ખાખ
આખો દિવસ ઈલેક્ટ્રિક રીક્ષાઓને ચલાવ્યા બાદ કેવડિયામાં જ બનેલા પાર્કિંગમાં 50થી વધુ ઈ-રીક્ષાઓ મૂકવામાં આવી હતી, જ્યાં તેનું ચાર્જિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યા રાત્રે ચાર્જિંગમાં મૂકેલી આ ઈ-રીક્ષામાં અચાનક જ આગ લાગી હતી. જે બાદ તરત જ ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને અન્ય કેટલીક ઈ-રીક્ષાઓને ત્યાંથી હટાવી લેતા વધુ મોટું નુકસાન થતા અટકાવી લીધું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે કેવડિયાને દેશનું સૌથી પહેલું ઈલેક્ટ્રિકલ વ્હીકલ સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. કેવડિયામાં પિંક કલરની ઈ-રીક્ષાઓ સ્થાનિક મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે.
આગની ઘટના અગાઉ પણ બની હતી
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પર્યટકો માટે ચાલતી ઈલેક્ટ્રિક રિક્ષાઓમાં આ પહેલા આ વર્ષે જૂન મહિનામાં પણ આ પ્રકારની આગ લાગવાની ઘટના બની હતી. કેવડિયા ખાતે બપોરના સમયે ચાર્જિંગમાં મૂકેલી ઈ-રીક્ષામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે ફાયરની ટીમે આગ કાબુમાં લેતા આસપાસની રીક્ષામાં આગ ફેલાતા અટકી હતી. ત્યારે ચાલુ વર્ષે જ ફરી એકવાર આ ઈલેક્ટ્રિક રીક્ષામાં ચાર્જિંગ સમયે આગ લાગવાનો બનાવ બન્યો છે.