વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી સુરત ખાતે કરવામાં આવી હતી. યોગ કરવા માટે વહેલી સવારથી લોકો ઉમટી પડ્યા હતા. શહેરના ડુમસ રોડ ખાતે યોગ કરવા 1.50 લાખ લોકો એકત્રિત થયા હતા. યોગ કરવા બાળકો, યુવાનો તેમજ સિનિયર સિટીઝનો આવ્યા હતા. એક જગ્યાએ એક સાથે 1.50 લાખ લોકોએ યોગ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત ખાતે થઈ રાજ્યકક્ષા યોગ દિવસની ઉજવણી
દર વર્ષે અલગ અલગ થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષની થીમ છે વસુધૈવ કુટુંમબક્મ છે. અલગ અલગ જગ્યાઓ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય કક્ષાની ઉજવણી સુરત ખાતે કરવામાં આવી હતી જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. યોગ કરવા વહેલી સવારથી લોકો આવી પહોંચ્યા હતા. લોકોને કોઈ અગવડ ના પડે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. 125 બ્લોક તૈયાર કરવામાં આવ્યા હતા. એક બ્લોકમાં એક હજાર લોકોનો સમાવેશ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક બ્લોક નજીક સ્ક્રીન તેમજ સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી હતી.
યોગ કરવા સીએમે કર્યું આહ્વાહન!
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ યોગ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. ટ્વિટ કરી રાજ્યના લોકોને આ દિવસની શુભેચ્છા પાઠવી હતી. ટ્વીટમાં તેમણે લખ્યુ કે 'યોગ માત્ર શારીરિક કસરત નથી,એ જીવનને તેની સંપૂર્ણતામાં ખીલવવાનું શાસ્ત્ર છે. દુનિયાના લાખો લોકોએ રોજિંદા જીવનમાં યોગને અપનાવીને તેના અગણિત લાભ અનુભવ્યા છે. આવો. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ. યોગ કરવા મુખ્યમંત્રીએ આહ્વાહન કર્યું છે. તે સિવાય હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું પહેલા સુખ નિરોગી કાયા ઔર કરોગે યોગ તભી તો સંવરેગી કાયા.