26 જાન્યુઆરી તેમજ 15 ઓગસ્ટના દિવસે લોકોમાં રહેલી દેશભક્તિ ચરમસીમાએ હોય છે. દેશ માટે કંઈ કરી દેખાડવાની ભાવના આ દિવસો દરમિયાન જોવા મળતી હોય છે. આજે દેશ 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ આ વખતે મુખ્ય અતિથિ બન્યા છે. રાજ્યકક્ષાએ આ તહેવારની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી છે. જૂનાગઢના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ગુજરાતના રાજ્યપાલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.
આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજારોહણ
દેશ આજે 75મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે. જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજ્યપાલે આ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ધ્વજવંદન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા. ગુજરાત પોલીસના જવાનો વિવિધ કરતબોનું પ્રદર્શન કરી રહ્યા છે. 256 જવાનોએ 512 મશાલ સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમ રજૂ કર્યો હતો. ધ્વજવંદન બાદ જવાનો દ્વારા બાઈક સ્ટંટ, અશ્વ તેમજ શ્વાન દળનો શો તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
અલગ અલગ જગ્યાઓ પર કરાશે પ્રજાસત્તાક દિવસની ઉજવણી
રાજ્યકક્ષાની ઉજવણી ભલે જૂનાગઢમાં થઈ રહી છે પરંતુ અલગ અલગ જગ્યાઓ પર નેતાઓએ, અધ્યક્ષ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર વિધાનસભા અધ્યક્ષ શંકરચૌધરી ગાંધીનગરમાં આ દિવસની ઉજવણી કરશે. પંચમહાલ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ તેમજ રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેક્ટર વિવિધ જિલ્લા મથકો ખાતે આ દિવસની ઉજવણી કરશે. જમાવટ પરિવાર તરફથી આપ સર્વેને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ.. જય હિંદ..