ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના રહ્યા છે ત્યારે રાજ્યની ભાજપ સરકાર કર્મચારી આંદોલનના ચક્રવ્યૂહમાં ફસાઈ છે. દરરોજ એક પછી એક કર્મચારી સંગઠન હડતાળની જાહેરાત કરી રહ્યું છે અને હવે એસટી નિગમના સંગઠને સરકાર સામે બાયો ચઢાવી છે. એસટી નિગમના ત્રણ સંગઠન પોતાની 13 અલગ અલગ માંગણીઓના ઉકેલ લાવવા મેદાને પડ્યા છે. ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફાઉન્ડેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ અને ગુજરાત એસટી મજૂર મહાસંઘ હવે સરકાર સામે કેટલીક માગો રાખી છે. 13 માંગણીઓના પ્રશ્ન મામલે 22 સપ્ટેમ્બરથી એસટીના પૈડા થંભી જવાના અણસાર છે.
ત્રણેય એસટી સંગઠનોની માંગણીઓ શું છે?
ડ્રાઈવર અને કંડકટરના ગ્રેડ પેમાં વધારો અમલી કરવો
મોંઘવારી ભથ્થા પેટે 17 ટકાની ચુકવણી કરાઈ નથી
વર્ષ 1997 બાદ ભથ્થામાં કોઈ સુધાર નહિ
એસટીના કર્મચારીઓને સાતમા પગા પંચનો લાભ
હક્ક રજાની રોકડમાં ચુકવણીની પણ સરકાર સામે માગ
રોજમદાર,બદલી કામદાર અને વર્ગ 4ના કામદારોને એક્સગ્રેસીયા બોનસનો લાભ મળે
એસટી કર્મીઓની હડતાળને રોકવા માટે સરકાર હવે શું પગલા ભરે છે તે જોવાનું છે, જો કે સરકાર એસ ટી કર્મીઓની હડતાળ રોકવામાં નિષ્ફળ રહી તો ચોક્કસપણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે. સરકારના વાંકે સામાન્ય લોકોને તેની સજા ભોગવવી પડે તેવી સ્થિતી સર્જાઈ છે.