થોડા સમય પહેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ પીએમ મોદીને ચિઠ્ઠી લખી જેમાં તેમણે જ્ઞાન સહાયક યોજનાને નાબુદ કરવાની માગ કરી હતી. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ઉમેદવારો કરી રહ્યા છે. એ આંદોલન તો હજી પૂર્ણ નથી થયું ત્યારે એસટી વિભાગના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં આવ્યા છે. ફિક્સ પેને લઈ વિરોધ કરી રહેલા એસટી વિભાગના કર્મચારીઓએ પીએમ મોદીને ચિઠ્ઠી લખી હતી અને પોતાની હૈયાફાળ ઠાલવી હતી.
પીએમ મોદીને કર્મચારીઓએ લખી ચિઠ્ઠી
રાજ્ય સરકાર દ્વારા 18 ઓક્ટોબરના રોજ વર્ગ ત્રણ તેમજ વર્ગ ચારના તમામ ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ આ પગાર વધારાથી એસટી વિભાગના કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યા છે તેનો વિરોધ એસટી વિભાગના કર્મચારીઓ કરી રહ્યા છે. એસટી ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ યુનિયનને તેમજ સરકારને પોતાની રજૂઆત કરી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહીં. ત્યારે પીએમ મોદીના શરણે એસટી વિભાગના કર્મચારીઓ ગયા છે.
પગાર વધારાથી એસટી વિભાગના કર્મચારીઓને રખાયા બાકાત!
પગાર વધારો ન કરાતા એસટી વિભાગના કર્મચારીઓનું કહેવું છે કે તેમની સાથે શા માટે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. શા માટે તેમને પગાર વધારામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે એસટી બસનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે શું આ આંદોલન પણ જ્ઞાન સહાયક જેવું મોટું આંદોલન થશે?