કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દરમાં 0.20 ટકા અને ત્રણ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ યોજના પરના વ્યાજ દરમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. અન્ય તમામ નાની યોજનાઓ માટેના દરો પહેલા જેવા જ યથાવત રહેશે.
SSYનો દર 8.2 ટકા થયો
નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ થાપણો પર વ્યાજ દર હાલના આઠ ટકાથી વધારીને 8.2 ટકા કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષની ફિક્સ ડિપોઝિટ પરનો દર વર્તમાન સાત ટકાથી વધારીને 7.1 ટકા કરવામાં આવ્યો છે.
અન્ય સ્કિમના દર આ પ્રમાણે છે
જો કે, PPF પર વ્યાજ દર 7.1 ટકા જેટલો જ રાખવામાં આવ્યો છે અને બચત થાપણો પર વ્યાજ દર ચાર ટકા રાખવામાં આવ્યો છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં દર સમાન હતા. કિસાન વિકાસ પત્ર પર વ્યાજ દર 7.5 ટકા છે. તેની સંપૂર્ણ અવધિ 115 મહિના છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પરનો વ્યાજ દર 1 જાન્યુઆરીથી 31 માર્ચ, 2024 સુધી 7.7 ટકા પર યથાવત રહ્યો છે. માસિક આવક યોજનાના વ્યાજ દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. રોકાણકારો માટે તે 7.4 ટકા રહેશે. સરકાર દર ક્વાર્ટરમાં મુખ્યત્વે પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં ફેરફાર કરતી રહે છે.