ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડકપ મુકાબલામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે, ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રવિવારે (16 ઓક્ટોબર) શ્રીલંકા અને નામિબિયા વચ્ચે રમાઈ હતી. ક્વોલિફાઈંગ રાઉન્ડની આ પ્રથમ મેચમાં નામિબિયાએ એશિયા કપની ચેમ્પિયન શ્રીલંકાને 55 રનથી હરાવ્યું છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
શ્રીલંકાની હારથી મેજર અપસેટ
એશિયન ચેમ્પિયન શ્રીલંકા ક્રિકેટ ટીમને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022 ની શરૂઆતની મેચમાં નામીબિયા સામે 55 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. રાઉન્ડ 1 ની પ્રથમ મેચમાં, ઓસ્ટ્રેલિયાના જીલોંગના સિમોન્સ સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ નામિબિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 163 રન બનાવ્યા હતા અને ત્યારબાદ શ્રીલંકાની ટીમને 19 ઓવરમાં 108 રન પર હાર આપી હતી. આ હાર બાદ શ્રીલંકાની સુપર 12માં પહોંચવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે.
નામિબિયાનું ઐતિહાસિક ડેબ્યૂ
શ્રીલંકા સામેની મેચ નામિબિયાએ 55 રને જીતીને T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક ડેબ્યૂ કર્યું હતું. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ જીતવા માટે શ્રીલંકાને 164 રન બનાવવાના હતા, પરંતુ એશિયા કપ ચેમ્પિયન અહીં નિષ્ફળ સાબિત થઇ હતી અને 108માં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. શ્રીલંકાની શરૂઆત નામિબિયા જેટલી જ ખરાબ રહી હતી. શ્રીલંકાએ માત્ર ચાર ઓવરમાં 21 રનમાં પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શ્રીલંકાની ટીમ ક્યારેય મેચમાં વાપસી કરી શકી નહીં અને તેના માત્ર 4 બેટ્સમેન જ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. નામિબિયાની બેટિંગની શરૂઆત વધુ સારી રહી ન હતી. ટીમે 35ના સ્કોર પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. મધ્યમક્રમના બેટ્સમેનો પણ સારુ પ્રદર્શન કરી શક્યા નહોતા. ટીમ તરફથી જેન નિકોલસ ફ્રેલિંક અને જે જે સ્મિથે ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો. બંન્ને વચ્ચે ફક્ત 33 બોલમાં 69 રનની ભાગીદારી થઇ હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન સનાકાએ સૌથી વધુ 29 રનની ઇનિંગ રમી હતી. નામિબિયા તરફથી આ મેચમાં ડેવિડ વેઈસ, બર્નાર્ડ, બેન અને જેને 2-2 વિકેટ ઝડપી હતી.
નામિબિયાની જીતથી સૌને આશ્ચર્ય
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફુલ મેમ્બર ટીમ સામે કોઈ પણ એસોસિએટ્સ ટીમની આ ત્રીજી મોટી જીત છે. T20 ક્રિકેટમાં 39 મેચોમાં નામિબિયાની આ 27મી જીત છે. ટોપ-5 રમી રહેલા રાષ્ટ્રો સામે ટીમની જીતમાં આયર્લેન્ડ સામેની એક, ઝિમ્બાબ્વે સામેની ત્રણ અને હવે શ્રીલંકા સામેની એક જીતનો સમાવેશ થાય છે.