સંસદમાં આજથી વિશેષ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પાંચ દિવસ ચાલનારા આ સત્રમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. ત્યારે સત્રના પહેલા દિવસે પીએમ મોદીએ લોકસભામાં સંબોધન કર્યું હતું જેમાં તેમણે અનેક મુદ્દાઓ વિશે વાત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે જી-20ની વાત કરી હતી. તે સિવાય ભારતની શક્તિ વિશે પણ તેમણે વાત કરી હતી.
જૂના સંસદ ભવન સાથે જોડાયેલી વાતોને યાદ કરી!
જૂના સંસદમાં આજે વિશેષ સત્રનો પ્રારંભ થયો છે. આજે આ સંસદમાં સત્રમાં મળનારું અંતિમ સત્ર છે. આવતી કાલથી નવા સંસદમાં સત્ર યોજાશે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જૂના સંસદ ભવન સાથે જોડાયેલી વાતોને વાગોળી હતી. સંસદ ભવન અનેક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ આ વાતોનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે દેશ માટે આગળ વધવાની આ તક છે. પ્રેરણાદાયક વસ્તુઓને યાદ કરવાનો સમય છે. સંસદમાં પાડેલો પરસેવો મારા દેશનો છે. પ્રેરણાદાયી ક્ષણોને યાદ કરીને અહીંથી રજા લઈ રહ્યા છીએ.
સદનની વિદાય ખૂબ જ ભાવનાત્મક છે - પીએમ મોદી
સંસદ ભવનને લઈ પીએમ મોદીએ કહ્યું કે આપણે બધા આ ઐતિહાસિક ઈમારતને વિદાય આપી રહ્યા છીએ. આઝાદી બાદ આ ઈમારતને સંસદ ભવન તરીકે માન્યતા મળી. વધુમાં તેમણે કહ્યું કે સદનની વિદાય ખૂબ જ ભાવનાત્મક પણ છે. જ્યારે આપણે આ ઘર છોડી રહ્યા છીએ, ત્યારે આપણું મન ઘણી બધી લાગણીઓ અને ઘણી યાદોથી ભરાઈ ગયું છે. ઘરમાં કેટલાક મીઠા અને ખાટા અનુભવો થયા. થોડી બોલાચાલી પણ થઈ હતી. આપણા બધાની યાદો સામાન્ય છે, આનો ગર્વ પણ આપણા સૌને સહિયારો છે. પોતાના સંબોધનમાં તેમણે જી-20નો પણ ઉલ્લેખ કર્યો હતો.