કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આ વખતે રાજ્યસભાથી ચૂંટણી લડવાના છે. ગઈકાલે તેમણે રાજ્ય સભાના ઉમેદવાર માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સોનિયા ગાંધી જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે મોટી સંખ્યામાં તેમની સાથે રાહુલ ગાંધી, અશોક ગેહલોત સહિતના નેતાઓ હાજર હતા. આ પહેલી વાર બનશે જ્યારે લોકસભા ચૂંટણીની બદલીમાં સોનિયા ગાંધી રાજ્યસભાની ચૂંટણી લડવાના છે. સોનિયા ગાંધી રાયબરેલી સીટ પરથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. રાજ્યસભાના ઉમેદવાર બન્યા બાદ સોનિયા ગાંધીએ રાયબરેલીની જનતા માટે એક ભાવુક પત્ર લખ્યો છે.
રાજ્યસભાના ઉમેદવાર તરીકે સોનિયા ગાંધીએ ભર્યું ફોર્મ
આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે.ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી યોજાય તેની પહેલા રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભાના સાંસદો માટેની ચૂંટણી ફેબ્રુઆરી મહિનામાં યોજાવાની છે. ભાજપ, કોંગ્રેસ સહિત અનેક રાજકીય પાર્ટી દ્વારા રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજસ્થાનથી રાજ્યસભા માટે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉમેદવારી નોંધાવી છે. આગામી લોકસભા સોનિયા ગાંધી નહીં લડે.
રાયબરેલીની જનતા માટે સોનિયા ગાંધીએ લખી ભાવુક પોસ્ટ
રાયબરેલીથી સોનિયા ગાંધી લોકસભા ગયા હતા ત્યારે આ વખતે તેઓ રાજ્યસભા માટે ચૂંટણી લડવાના છે. રાયબરેલીની જનતા માટે સોનિયા ગાંધીએ એક પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં સોનિયા ગાંધીએ રાયબરેલીની જનતાનો આભાર માન્યો છે. સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું કે હવે તબિયત અને વધતી ઉંમરને કારણે લોકસભા નહીં લડૂ. આ નિર્ણય પછી મને સીધી રીતે તમારી સેવા કરવાનો મોકો નહીં મળે, પણ તે વસ્તુ નક્કી છે કે મારૂં મન-પ્રાણ હંમેશા તમારી સાથે રહેશે..
પત્રમાં સોનિયા ગાંધીએ લખ્યું કે...
પોતાના પત્રમાં તેમણે લખ્યું છે કે "દિલ્હીમાં મારો પરિવાર અધૂરો છે. તે રાયબરેલીમાં આવીને તમને મળીને પૂર્ણ થાય છે. આ બંધન ખૂબ જૂનું છે અને મને મારા સાસરિયાઓ તરફથી સારા નસીબ તરીકે મળ્યું છે. અમારા પરિવારના સંબંધોના મૂળ રાયબરેલી સાથે છે. આઝાદી પછીની પહેલી લોકસભાની ચૂંટણીમાં તમે મારા સસરા ફિરોઝ ગાંધીને અહીંથી જીતાડીને દિલ્હી મોકલ્યા હતા.તેમના પછી તમે મારા સાસુ ઈન્દિરા ગાંધીને તમારા પોતાના બનાવ્યા. ત્યારથી લઈને અત્યાર સુધી, આ શ્રેણી જીવનના ઉતાર-ચઢાવ અને મુશ્કેલ માર્ગોમાંથી પસાર થઈને પ્રેમ અને ઉત્સાહ સાથે ચાલુ રહી છે અને તેમાં આપણો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે."