રાજસ્થાનની રાજનીતિમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેંસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા ઉતાવળા થઈ રહ્યા છે. પરંતુ એક પદ એક વ્યક્તિના નિયમને કારણે અશોક ગેહલોતે પોતાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડશે. ત્યારે અશોક ગેહલોત બાદ રાજસ્થાનની કમાન કોને સોંપવી તેને લઈ અશોક ગેહલોત અને સચિન પાયલટ જૂથ વચ્ચે જંગ જામી છે. કોંગ્રેસની હાઈ કમાન્ડ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવા વિચારણા કરી રહી છે ત્યારે અશોક ગેહલોતના સમર્થકો આ વાતનો વિરોધ કરી રહ્યા છે. રાજસ્થાનની સરકાર કોને સોંપવી તે અંગે વિચારણા કરવા અશોક ગેહલોતના નિવાસ સ્થાને બેઠક મળી હતી. પરંતુ તે પહેલા જ અશોક ગેહલોત જૂથના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું.
પાયલોટના મુખ્યમંત્રી બનાવવાની વિચારણાથી ધારાસભ્યો નારાજ
આ બેઠકમાં મલિક્કાર્જુન ખડગે તેમજ અજય મકાન પણ ઉપસ્થિત હતા. પરંતુ બેઠક શરૂ થાય તે પહેલા જ ધારાસભ્યોના રાજીનામાં પડતા કોંગ્રેસનું હાઈ કમાન્ડ સક્રિય થયું છે. રાજીનામાને કારણે સોનિયા ગાંધીએ નારાજગી વ્યક્ત કરી છે. રાજસ્થાનમાં પરિસ્થિતિને શાંત કરવા કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેને અને અજય માકનને નિર્દેશ આપ્યો છે. ધારાસભ્યો સાથે વાત કરી આ મામલાનો ઉકલો લાવવા તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ તેઓ વાત માનવા તૈયાર નથી. ધારાસભ્યોનું કહેવું છે કે જેમણે ભાજપ સાથે મળીને રાજસ્થાનમાં સત્તા ગબડાવવાનું ષડયંત્ર કર્યું હતું, ત્યારે હવે હાઈકમાન્ડ તેમને સત્તા સોંપવા માંગે છે. અમારી પાસેથી કોઈ સલાહ, માર્ગદર્શન લેવામાં નથી આવ્યું.
હાઈકમાન્ડ સાથે વાતચીત થયા બાદ લેવાશે નિર્ણય
મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન રાજસ્થાનની પરિસ્થિતિનું નિરિક્ષણ કરી દિલ્હી જઈ હાઈ કમાન્ડને રજૂઆત કરશે. હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તે બંને ચાલતા વિવાદને શાંત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. નારાજ થયેલા ધારાસભ્યોનું કહેવું છે કે જ્યાં સુધી આ મુદ્દે સર્વસંમતિ નહીં બને ત્યાં સુધી કોઈ ધારાસભ્ય બેઠકમાં ભાગ લેશે નહી. ત્યારે આ વિવાદનો ઉકેલ કોંગ્રેસ હાઈકમાન્ડ શું લાવે છે તે આવનારા સમયમાં ખબર પડી જશે.