ભારતીય જનતા પાર્ટી (BJP)ની નેતા સોનાલી ફોગાટના મોત મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. આરોપીઓએ સોનાલીને ગોવાની કર્લીઝ રેસ્ટોરન્ટમાં મેથામ્ફેટામાઈન નામનું ડ્રગ આપ્યું હતું. અંજુના પોલીસે કર્લીઝ રેસ્ટોરન્ટના વોશરૂમમાંથી ડ્રગ્સ કબજે કર્યું હતું. આ ડ્રગ્સની તપાસ બાદ તે મેથામ્ફેટામાઈન હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સોનાલી ફોગાટના અંગત સહાયક સુધીર સાંગવાન, અન્ય સહયોગી સુખવિંદર સિંહ, રેસ્ટોરન્ટના માલિક એડવિન ન્યૂન્સ અને કથિત ડ્રગ સ્મગલર દત્તા પ્રસાદ ગાંવકરની ધરપકડ કરી છે. સુખવિંદર અને સુધીર સાંગવાન સામે હત્યાની કલમો હેઠળ જ્યારે ગાંવકર અને ન્યૂન્સ સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે તપાસમાં જાણવા મળ્યું છે કે દત્તા પ્રસાદ ગાંવકરે કથિત રીતે સુખવિંદર સિંહ અને સુધીર સાંગવાનને માદક દ્રવ્ય પહોચાડ્યું હતું. ગાંવકર તે અંજુના હોટેલનો કર્મચારી છે જ્યાં ફોગાટ રોકાઈ હતી. બંને આરોપીઓએ તેમના નિવેદનમાં શંકાસ્પદ પાસેથી ડ્રગ્સ ખરીદ્યાનું કબૂલ્યું હતું, ત્યારબાદ શંકાસ્પદ ડ્રગ સ્મગલર દત્તાપ્રસાદ ગાંવકરને અંજુનાથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
મેથામ્ફેટામાઇન ડ્ર્ગ્સ શું છે?
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન ડ્રગ એબ્યુઝ (NIDA) અનુસાર, મેથામ્ફેટામાઇન ખૂબ જ ખતરનાક અને શક્તિશાળી ડ્રગ્સ છે. જો કોઈ તેનું સેવન કરે છે, તો તે ખૂબ જ ઝડપથી વ્યસની બની જાય છે. આનું કારણ એ છે કે મેથામ્ફેટામાઇન ડ્રગ તેનું સેવન કરનારાની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર સીધી અસર કરે છે.
મેથામ્ફેટામાઇનની અસરો?
-મેથામ્ફેટામાઇન મૂડને સુધારી શકે છે, થુબ જ થાકેલી વ્યક્તિઓમાં સતર્કતા, એકાગ્રતા અને ઊર્જા વધારી શકે છે.
- ભૂખ ઓછી લાગે છે અને વજન પણ ઘટે છે.
- શરીરમાં ઉત્તેજક મનોવિકૃતિ (દા.ત., પેરાનોઇયા, મતિભ્રમ અને ચિત્તભ્રમણા) ને ઉત્તેજિત કરે છે અને હિંસક વર્તનને તીવ્ર બનાવે છે.
- જાતીય ઉત્તેજના વધારે છે. તેના માટે એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ ઘણા દિવસો સુધી તેનું સેવન કરે તો વૃદ્ધાવસ્થામાં પણ સેક્સ માટે તેની ઉત્તેજના વધી જાય છે.