અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં એએમસીના અધિકારી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. અધિકારી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો બન્યો છે. ટેક્સ મુદ્દે એકમ સીલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન એક નિવૃત્ત આઈએએસ અધિકારીના પુત્રએ થલતેજ વોર્ડમાં એન્જિનિયર પર હુમલો કર્યો છે. તે સિવાય મહિલા કર્મચારી સાથે ગેરવર્તન પણ કર્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે
અમદાવાદમાં નિવૃત આઈએએસ અધિકારીના પુત્રની દાદાગીરી સામે આવી છે. શહેરમાં તંત્ર દ્વારા સીલિંગની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનની ટીમ ટેક્સ વસૂલાત માટે રાજપથ કલબ પાછળ પહોંચી હતી ત્યારે એએમસીની કલેક્શન ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી. આ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે વ્યક્તિએ હુમલો કર્યો તે નિવૃત્ત આઈએએસ અધિકારીનો દીકરો હતો.
ફરિયાદ મળતા પોલીસે કરી કાર્યવાહી
વીડિયોમાં દેખાય છે કે એક વ્યક્તિ ઘરની બહાર આવે છે અને પછી અચાનક એએમસીના અધિકારી પર ચપ્પા વડે હુમલો કરે છે. હુમલો થયા બાદ આ ઘટનાની જાણ ટીમ દ્વારા બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવે છે. હુમલાખોર વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે. એએમસી અધિકારી પર હુમલો કરનારનું નામ આશીષ ત્રિપાઠી છે. તેઓ આર.કે ત્રિપાઠીના પુત્ર છે. મળતી માહિતી અનુસાર પોલીસે કાર્યવાહી પણ કરી છે અને હુમલાખોરની અટકાયત પણ કરી દેવામાં આવી છે.