મહાશિવરાત્રીનું મહાપર્વ નજીક છે અને આ દિવસે દેશભરમાંથી હજારો શ્રધ્ધાળુઓ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શને આવે છે, તેઓ સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ટ્રસ્ટ પણ ભક્તોને આવકારવા આતુર છે. શનિવારે મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિર ટ્રસ્ટે પણ ખાસ તૈયારીઓ કરી છે અને દર્શનાર્થીઓની સુવિધા માટે આ મહત્વની જાહેરાત કરી છે.
સોમનાથ ટ્રસ્ટે કરી મોટી જાહેરાત
મહાશિવરાત્રી પર મોટી સંખ્યામાં ભાવિકોનો સમૂહ સોમનાથ મહાદેવના દર્શને આવે તેવી પૂર્ણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેથી જ મહાશિવરાત્રીને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયારી કરવામાં આવી છે. મહાશિવરાત્રી પર સોમનાથ દાદાના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. જેને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાશિવરાત્રી પર સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લું રહેશે.
ભાવિકો આરતી અને મહાપૂજાનો લેશે લાભ
સોમનાથ મહાદેવના દર્શને આવનારા ભાવિકો માટે વહેલી સવારે 4.00 કલાકે મંદિરના કપાટ ખુલી જશે. જે સતત 42 કલાક ખુલ્લા રહેશે તથા 4 પ્રહરની આરતી અને મહાપૂજા નીયત સમયે થશે. મહાશિવરાત્રીએ શિવભક્તો મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લઈ શકશે. મહાશિવરાત્રીને લઈને સોમનાથ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટે 17થી 19 ફેબ્રુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
સોમનાથમાં જડબેસલાક સુરક્ષા
સોમનાથ મંદિરમાં પાલખી યાત્રા, જ્યોતપૂજન, ચાર પ્રહરનું વિશેષ પૂજન, આરતી સહિત ધાર્મિક, આદ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું. બીજી તરફ મહાશિવરાત્રીને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. યાત્રિકોને કોઈપણ પ્રકારે અવગડ ન પડે તેની કાળજી લેવાઈ રહી છે. 2 હજાર જેટલા વાહનો પાર્ક થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે.