રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે, રાજકારણીઓ પણ પક્ષાંત્તર કરી તેમની સ્થિતી મજબુત બનાવી રહ્યા છે. સોજીત્રા નગરપાલિકાના ભાજપના પાંચ સભ્યોએ આપી દેતા ચકચાર મચી ગઈ હતી. જો કે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલે આ રાજીનામાંની વાતને નકારી રહ્યા છે.
કોણે આપ્યા રાજીનામાં
આણંદ જિલ્લામાં સોજીત્રા નગરપાલિકાના વિવિધ વોર્ડના ભાજપના પાંચ ચૂંટાયેલા સભ્યોએ ભાજપના સભ્ય પદેથી રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઈ છે. સોજીત્રા નગરપાલિકાના વોર્ડ નંબર 5 ના સભ્ય કોકીલાબેન લક્ષ્મણભાઈ વાઘરી, વોર્ડ નંબર 2 ના સભ્ય રાહુલભાઈ અશોકભાઈ વાઘરી, વોર્ડ નંબર 5 ના સભ્ય કાછિયા પટેલ જીગ્નેશભાઈ અશ્વિનભાઈ, વોર્ડ નંબર 3ના સભ્ય રાણા ઉન્નતિબેન ધર્મેશભાઈ અને વોર્ડ નંબર 1ના સભ્ય મકવાણા કલ્પનાબેન ઉમેશભાઈએ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ તથા સોજીત્રા શહેર ભાજપ પ્રમુખને સંબોધીને ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર લખ્યો હતો.
શા માટે પડ્યા રાજીનામાં
સોજીત્રા નગરપાલિકાના વિવિધ વોર્ડના ભાજપના પાંચ ચૂંટાયેલા સભ્યોથી ભાજપમાં સોપોં પડી ગયો છે. રાજીનામામાં જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ એ સોજીત્રા નગરપાલિકામાં સાર્થક થતું ન હોય તેમજ સોજીત્રા શહેર ભારતીય જનતા પાર્ટીના કેટલાક પૂર્વ પ્રમુખો તેમજ સંગઠનના કેટલાક વ્યક્તિઓ ખોટા આક્ષેપો કરી તેઓને બદનામ કરતા હોય રાજી ખુશીથી ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપીએ છે. એક સાથે જ નગરપાલિકાના પાંચ સભ્યોના રાજીનામા પડતા સોજીત્રા ભાજપ સંગઠન સહિત જિલ્લા ભાજપ સંગઠન દોડતું થઈ ગયું હતું અને સભ્યોને મનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
જિલ્લા અધ્યક્ષે રાજીનામાની વાત નકારી
આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલે જો કે આ બાબતને વખોડી કાઢી છે. તેમણે સબ સલામતનું ગાણું ગાયું હતો. સોજીત્રા નગરપાલિકાના પ્રમુખ રજનીકાંત પટેલે સભ્યોને કોઈક ગેરસમજ થઈ હોવાથી રાજીનામાં આપ્યા હતા પરંતુ તેમને મનાવી લેવામાં આવતા તેમણે રાજીનામું પરત લઈ લીધું છે. જો કે રાજીનામું આપનાર તમામ સભ્યોના ફોન બંધ હોવાથી તેમનો મત જાણી શકાયો નથી. આ કારણે ખરેખર શું સ્થિતી છે તે અગે અસમંજશની પરિસ્થીતી સર્જાઈ છે.