ગુજરાતમાં નશાનો વેપાર ચિંતાજનક હદે વધી રહ્યો છે. ડ્ર્ગ્સ માફિયાઓ દ્વારા ગુજરાતના શહેરોમાં ડ્રગ્સની તસ્કરી કરવામાં આવે છે. કચ્છના ભુજના માધાપર પાસે SOG અને LCBના સંયુક્ત ઓપરેશનમાં રૂ. 2.10 કરોડનું ડ્ર્ગ્સ ઝડપાયું હતું. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે 5 લોકોને ઝડપી પડ્યા છે. ભુજના માધાપર પાસે ગઈ કાલે સાંજે થયેલ નળ વાળા સર્કલ પાસે પશ્ચિમ કચ્છ SOG અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં 420 ગ્રામ હેરોઇન ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાતમીના આધારે કાર્યવાહી
ભુજના માધાપર નજીક આવેલ નળ સર્કલ પાસે બુધવારની સાંજે પોલીસ ને બાતમી મળી હતી કે પંજાબના 5 શખ્સો ડ્રગ્સના વેચાણ અર્થે આવી રહ્યા છે ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ ક્રાઇમ બ્રાન્ચના જવાનો સિવિલ ડ્રેસમાં પેટ્રોલીંગ શરૂ કરી હતી. જે દરમિયાન સંદિગ્ધ કાર નીકળતા તેને અટકાવી હતી પરંતુ તે ઉભી ના રહેતા કાર અને તેના ટાયર ઉપર પાંચ રાઉન્ડ ફાયર કરીને કાર અટકાવી 5 પંજાબીને પકડી પાડયા હતા. સમગ્ર કાર્યવાહીમાં 25 થી વધુ પોલીસ કર્મચારીઓએ આ કામગીરી સફળ પાર પાડી હતી.પોલીસે શરૂ કરેલી વધુ પૂછપરછમાં બહાર આવ્યું હતું કે તેઓએ પંજાબના તરનતારન જિલ્લાના ગેંગસ્ટર કુલદીપસિંઘ અને પાસેથી આ ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હતો. ત્યારબાદ દિલ્હીથી ભુજ આવવા મટે નીકળ્યા હતા. આ પાંચ આરોપીઓ પૈકી બે આરોપીઓનો ચોરી, લૂંટફાટ, તેમજ આર્મ્સ એકટ હેઠળ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.