રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે કોરોનાના કેસ સામે ન આવતા હતા પરંતુ હવે પ્રતિદિન કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે શહેરમાં 8 નવા કેસ સામે આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. જે લોકો કોરોના સંક્રમિત થયા છે તેમાં 5 પુરુષ અને 3 મહિલાઓ સામેલ છે. મહત્વનું છે કે ગઈકાલે એક મહિલાનું મોત કોરોનાને કારણે થયું છે.
અમદાવાદમાં નોંધાયા 8 નવા કોરોનાના કેસ
કોરોનાના નવા વેરિયન્ટને લઈ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાના નવા અનેક કેસો નોંધાઈ રહ્યા છે જેને કારણે લોકોમાં કોરોનાને લઈ ડર વ્યાપી ઉઠ્યો છે. દેશમાંથી તો કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે પરંતુ ગુજરાતમાં પણ કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. એક રિપોર્ટ અનુસાર કોરોના કેસના વધારામાં ગુજરાત ચોથા સ્થાને આવે છે. નવા વેરિયન્ટના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.
ગુજરાતમાં વધી રહ્યા છે નવા વેરિયન્ટના કેસ
કોરોનાના JN1 વેરિયન્ટને કારણે ભારતમાં ચિંતા વધી છે. પ્રતિદિન કોરોનાના દર્દીઓ તો નોંધાય છે પરંતુ નવા વેરિયન્ટના પણ કેસ નોંધાય છે. દર્દીઓની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મંગળવાર (26મી) સુધી દેશમાં JN1 કોવિડના કુલ 109 દર્દી નોંધાયા છે, જેમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં નોંધાયા છે. 26મી ડિસેમ્બર સુધી ગુજરાતમાં JN1ના કુલ 36 કેસ નોંધાયા છે, જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે.
ક્યાં કેટલા નોંધાયા કેસ?
જો સમગ્ર દેશની વાત કરીએ તો 26મી ડિસેમ્બર સુધીમાં કુલ 109 JN.1 કોવિડ વેરિયન્ટના કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તામિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે.
ગઈકાલે મહિલાનું થઈ ગયું હતું મોત
મળતી માહિતી અનુસાર મંગળવારે કોરોનાના 8 નવા કેસ નોંધાયા છે. નવરંગપુરા, નારણપુરા, જોધપુર, થલતેજ, ગોતા અને સરખેજ વિસ્તારથી નોંધાયા છે. જે લોકો કોરોના સંક્રમિત થયા છે તેમાંથી અનેક લોકો બહારગામ ફરીને આવ્યા છે. શહેરમાં 42 જેટલા કોરોનાના એક્ટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થતા ટેસ્ટિંગ કરવાની શરૂઆત કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે ગઈકાલે કોરોનાને કારણે એક વૃદ્ધાનું મોત થઈ ગયું છે.
ક્રિસમસ બાદ વધી શકે છે કોરોના કેસ
હાલ ક્રિસમસ વેકેશનને લઈ લોકો બહારગામ ગયા છે. હિલસ્ટેશન પર લોકોનું મહેરામણ ઉમટી પડ્યું છે. અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં પર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કોરોના કેસમાં આ વેકેશન બાદ વધારો આવી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એક તરફ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. મહત્વનું છે કે કેરળના સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે.