સારૂં શિક્ષણ મેળવવાનો હક દરેક વિદ્યાર્થીને હોય છે. સારૂં શિક્ષણ મેળવી પોતાના જીવનમાં આગળ વધવાનો અધિકાર દરેક સ્ટુડન્ટને છે. પરંતુ ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ શું છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. શહેરની અનેક સરકારી શાળાઓ એવી હોય છે જેની હાલત જોઈ આપણને દયા આવતી હોય છે. શહેરમાં જો સરકારી શાળાની આવી હાલત હોય તો પછી અંતરિયાળ વિસ્તારમાં આવેલી શાળાઓની હાલત શું હશે તેનું અનુમાન આપણે લગાવી શકીએ છીએ.
33 જિલ્લાની 1657 સરકારી શાળા એવી છે જેમાં એક માત્ર શિક્ષક છે!
શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તે વાતની રજૂઆત અનેક વખત કરવામાં આવતી હોય છે. શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી રજૂઆત અનેક લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ સરકાર તો સરકાર છે. ગુજરાતમાં શિક્ષકોની ઘટ મુદ્દે ગુજરાત કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. ગુજરાતમાં કેટલી શાળાઓ છે અને તેમાં શિક્ષકો છે તે વાતની જાણકારી મનીષ દોશી દ્વારા આપવામાં આવી હતી અને આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતના 33 જિલ્લાની 1657 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલતી હોવાની વાત તેમણે કરી હતી, તેવો આરોપ તેમણે લગાવ્યો હતો. કચ્છ, અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, મહીસાગર અને દેવભૂમિ દ્વારકા તેમજ પૂર્વ પટ્ટી, આદિવાસી વિસ્તારમાં ૩૫૩ શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના આધારે ચાલી રહી છે.
શહેરની શાળાઓમાં પણ એવી જ પરિસ્થિતિ છે
ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાયફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ બીજી તરફ ગુજરાતમાં ૧૬૫૭ સરકારી શાળાઓ એવી છે જેમાં માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. એક જ શિક્ષકના હવાલે ચાલતી શાળાઓમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરતાં હશે ? તેમનું ભણતર કેવું હશે ? એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ મામલે ગામડાંઓમાં સ્થિતિ અતિ ચિંતાજનક અને વિકટ છે. ૧૬૫૭ માંથી સૌથી વધુ ૧૩૬૩ શાળાઓ એકલા ગ્રામ્ય વિસ્તારની છે.
આ જિલ્લાઓ એવા છે જ્યાં શાળાઓ એક શિક્ષકના ભરોસે ચાલે છે
ન માત્ર ગામડાઓની શાળાની હાલત કફોડી છે પરંતુ શહેરની શાળાઓમાં પણ આવી જ પરિસ્થિતિ છે. બાકીની ૨૯૪ શાળાઓ રાજ્યના શહેરી વિસ્તારોની છે. આ શાળાઓમાં અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક ભણાવે છે. રાજ્યની ૩૩ જીલ્લામાંથી સાત જીલ્લામાં સૌથી વધુ શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે જેમાં કચ્છમાં ૨૧૩, અમદાવાદમાં ૯૮, રાજકોટમાં ૮૩, બનાસકાંઠમાં ૮૧, તાપીમાં ૮૦, મહિસાગરમાં ૭૭ અને દેવભૂમિ દ્વારકામાં ૭૩ શાળાઓ છે. ગ્રાન્ટેડ પ્રાથમીક – માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે. તેમને શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે જે ઘણી જ ગંભીર બાબત છે. આ છે ભાજપ સરકારની શિક્ષણ અંગેની વ્યવસ્થાનો ચિતાર…!
ચૈતર વસાવાએ પણ શિક્ષણની પરિસ્થિતિ અંગે કર્યું છે ટ્વિટ
શિક્ષણનું સ્તર સતત ઘટતું જઈ રહ્યું છે અને મોંઘી ફી આપવા છતાંય બાળકોને સારૂં શિક્ષણ મળતું નથી તેવા આક્ષેપો ન માત્ર કોંગ્રેસ દ્વારા પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા પણ કરવામાં આવ્યા છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક ફોટો શેર કર્યો છે જેમાં એક કાર્ટુન જેવું મૂકવામાં આવ્યું છે. એ કાર્ટુનમાં ટીચર છે, વાલી છે અને બાળક છે. ટીચર વાલીને કહી રહ્યા છે કે યુનિફોર્મ, શૂઝ, પુસ્તકો એવી તમામ વસ્તુઓ અમારી શાળાથી લેવી પડશે. તો સામે પિતા સવાલ કરે છે કે શિક્ષણ! તો સામે શિક્ષક જવાબ આપે છે કે તેના માટે તમારે બીજે ટ્યુશન લેવું પડશે.
શિક્ષકો બેકાર છે અને શાળાઓમાં છે શિક્ષકોની ઘટ!
મહત્વનું છે કે શિક્ષણ એક એવો ગંભીર મુદ્દો છે જેની પર ડિબેટ થવી જોઈએ. જો બાળકોના ભવિષ્ય અંગે હમણાં નહીં વિચારવામાં આવે તો દેશના ભાવિનું ભાવિ ખતરામાં છે. સારૂં શિક્ષણ મેળવવું દરેક બાળકનો અધિકાર છે તે અધિકાર કોઈ તેની પાસેથી છીનવી ન શકે. મહત્વનું છે કે એક તરફ શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે, શાળાઓની કામગીરી તેમજ બાળકોના ભવિષ્ય સાથે ચેડા થાય છે. ત્યારે ઘણા વર્ષોથી અટકેલી ભરતી પ્રક્રિયા કરવામાં આવે તેવી માગ ભાવિ શિક્ષકો કરી રહ્યા છે.