કોરોના કેસ આ શબ્દ સાંભળી અનેક લોકો કહેશે આ તો હવે નોર્મલ વાત થઈ ગઈ. પ્રતિદિન કોરોનાના કેસ સામે આવે છે એમાં કંઈ ડરવાની જરૂર નથી તેવું પણ કહેશો. તો અનેક લોકો હશે કે જે આજે પણ આ શબ્દ સાંભળીને ડરતા હશે. તેમના આંખોની સામે કદાચ એ દ્રશ્યો સામે આવી જશે જે વર્ષો પહેલા તેમણે જોયા હશે. દેશમાં તેમજ વિશ્વમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે જે ચિંતા વધારી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.
ફરી એક વખત નોંધાયા 10થી ઉપર કેસ
ગુજરાતમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ન માત્ર કોરોનાના પરંતુ નવા વેરિયન્ટના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં પણ કોરોના તેજ ગતિથી વધી રહ્યો છે. અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક વૃદ્ધાનું મોત કોરોનાની સારવાર દરમિયાન થઈ ગયું હતું. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં કોરોનાના 14 નવા કેસ નોંધાયા છે. જે 14 કેસ નોંધાયા છે તેમાંથી અમદાવાદના 8 કેસ છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 66 આસપાસ પહોંચી ગઈ છે જ્યારે અમદાવાદમાં કોરોનાના કુલ 48 એક્ટિવ કેસ છે.
દેશમાં પણ વધી રહ્યા છે કોરોના કેસ
દેશમાં ફરી એક વખત કોરોના માથું ઉચકી રહ્યો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. પ્રતિદિન દેશમાં 500થી વધારે કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. કેરળમાં તો કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે. કોરોનાના વધતા કેસોમાં ગુજરાત ચોથા ક્રમે છે તેવી માહિતી સામે આવી છે.