ગુજરાતના અનેક શહેરોમાં શિયાળાની અસર દેખાતી શરૂ થઈ ગઈ છે. ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થતો હતો પરંતુ હવે ધીરે ધીરે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર દેખાઈ રહી છે. ઠંડીનો અનુભવ શરૂ થતા બપોરના સમયે પણ લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. મંગળવારે ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે. નલિયાનું લઘુતમ તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું હતું. માઉન્ટ આબુમાં પણ હિમવર્ષા થઈ છે જેને કારણે બરફની ચાદર નીચે માઉન્ટ આબુ ઢંકાઈ ગયું હોય તેવું લાગે છે,
નલિયાનું તાપમાન પહોંચ્યું 11.8 ડિગ્રી પર!
ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો. તમિલનાડુંમાં તો વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. એટલી ભયંકર વર્ષા થઈ રહી છે કે ત્યાં તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતના વાતાવરણ પર પણ હિમવર્ષાની અસર દેખાઈ રહી છે. મંગળવારે નલિયાનું તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદનું તાપમાન 15.5 પર પહોંચ્યું હતું.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
તે ઉપરાંત ગાંધીનગરનું તાપમાન 14 ડિગ્રી જ્યારે વડોદરાનું તાપમાન 14.6 ડિગ્રી નોંધાયું. સુરતનું તાપમાન 20.8 જ્યારે વલસાડનું તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરનું તાપમાન 16 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું. સુરેન્દ્રનગરનું તાપમાન 14.8 ડિગ્રી પર પહોંચ્યું હતું. મહત્વનું છે કે શિયાળાની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે.