બનાસકાંઠાના દિયોદર તાલુકાના સોની ગામે એક જ દિવસમાં ત્રણ લોકોને કાળા સાંપે ડંખ માર્યાના બનાવો બન્યા હતા જેમાં મહિલા સહિત 3 વર્ષના માસૂમ બાળકનું મોત થતાં ફફડાટ વ્યાપી ગયો છે. સોની ગામના ભાવના બેન ચૌધરી ખેતરમાં કામ કરતા હતા અને પશુઓને ઘાસચારો નાખવા જતા ઘાસચારામાં છૂપાયેલા ઝેરી સાંપે ડંખ દેતા મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
ત્યારબાદ બીજી ઘટના બની હતી જેમાં સંજય નામનું ત્રણ વર્ષનું બાળક તેના ઘરની આસપાસ રમી રહ્યો હતો અને અચાનક લોહીલુહાણ હાલતમાં ઘરે આવી રડી રહ્યો હતો જે જોઈને ઘરના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તબીબે તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ ફાટ્યું હતું અને હોસ્પિટલમાં હૈયાફાટ રુદનથી માહોલ ગમગીન બન્યો હતો.
ત્રીજી સર્પ દાંશની ઘટના પણ તે જ ગામમાં બની હતી સોની ગામમાં રહેતા 21 વર્ષીય યુવાનને પણ સાપે ડંખ દીધો હતો જેના કારણે આ યુવાનને તાત્કાલિક અસરથી ડીસા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં આ યુવાનની સારવાર ચાલી રહી છે
અચાનક સોની ગામમાં એક જ દિવસમાં સર્પ દંશની ત્રણ ઘટનાઓ બનતા ગામના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.