ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક ટપાટપી ઉગ્ર બની રહી છે. ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો સામે આવી રહ્યા છે. ત્યારે ઈટાલિયાનો વીડિયો બીજો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ વડાપ્રધાનની માતા અંગે ટિપ્પણી કરી રહ્યા છે. ઈટાલિયાનો વીડિયો વાયરલ થતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઈટાલિયા પર નિશાન સાધ્યું હતું.
આ વીડિયોને લઈ છેડાયું વાકયુદ્ધ
ચૂંટણી નજીક આવતા ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો એક બાદ એક સામે આવી રહ્યા છે. પોતાના એક વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. પીએમ માટે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. આ મામલો શાંત થાય તે પહેલા તેમનો બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બા પર ટિપ્પણી કરી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલ અને આપ પર ઈરાનીના પ્રહાર
આ વીડિયો વાયરલ થયા બાદ સ્મૃતિ ઈરાનીએ આ વીડિયો અંગે પ્રતિક્રિયા આપી છે. પોતાના નિવેદનમાં તેમણે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે 100 વર્ષીય એક માતાનું આવી રીતે અપમાન કરવું ચોકાવનારું છે. આ વડીલ કહેવાય અને તેમને કોઈનું કશું બગાડ્યું નથી. પ્રધાન સેવકની માતાનું એટલા માટે અપમાન થઈ રહ્યું છે. કારણે તે પોતાની રાજનીતિને ચમકાવી રહ્યા છે. ગુજરાત અને ગુજરાતીઓએ સંકલ્પ કર્યો છે કે આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં ધ્વસ્ત કરી દઈશું.
કયાં જઈને અટકશે આ બધું
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિનું સ્તર સતત ઘટી રહ્યું છે. દરેક પાર્ટી એક બીજા પર પ્રહાર કરી રહ્યા છે. પરંતુ આ પ્રહાર માત્ર પાર્ટી સુધી સિમીત રહે તે જરૂરી બન્યું છે. પરંતુ હવે ગુજરાતની રાજનીતિમાં મુખ્ય મુદ્દાઓ ભૂલાઈ ગયા છે. મુદ્દાઓ સાઈડમાં મૂકાઈ ગયા છે અને રાજનીતિ વ્યક્તિગત થઈ ગઈ છે. ભલે ગોપાલના વિડીયો જૂના હોય પરંતુ તેમણે પોતે જ આ વાક્યો કહ્યા હતા. આ વાતને તો તે નકારી નહીં કરી શકે.