ગુજરાતમાં પ્રચાર કરવા ભાજપે કેન્દ્રીય મંત્રીઓની ફોજ ઉતારી છે. અનેક કેન્દ્રીય મંત્રી ગુજરાતમાં આવી ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. પોતાના પ્રચાર માટે ભાજપે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં આ યાત્રા ફરી ભાજપનો પ્રચાર કરી રહી છે. આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પણ હાજરી આપી રહ્યા છે. ત્યારે આણંદ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ઉપસ્થિતિમાં ગૈરવ યાત્રા નિકળી હતી. પોતાના ભાષણ દરમિયાન સ્મૃતિએ નામ લીધા વગર આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી હતી.
આમ આદમી પાર્ટી પર સ્મૃતિ ઈરાનીએ કર્યા પ્રહાર
આણંદ ખાતે સ્મૃતિ ઈરાનીની ઉપસ્થિતિમાં ગૌરવ યાત્રા નીકળી હતી જેને સારુ જનસમર્થન મળ્યું હતું. પોતાના યાત્રા દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી પર નામ લીધા વગર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક નેતાઓ માત્ર અપશબ્દ બોલીને તમામ મર્યાદાની હદો વટાવી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેવામાં આ મુદ્દો ધર્મનો કે જાતિનો નથી પરંતુ ગુજરાતના સંસ્કારોનો છે. આ પાર્ટી એવો દાવો કરી રહી છે કે ગુજરાતને નવા એન્જીનની જરૂર છે પરંતુ તેમની પોતાની ગાડી બંધ થઈ ગઈ છે.
ભાજપ તેમજ વડાપ્રધાન મોદીના કર્યા વખાણ
ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવાની જવાબદારી હાઈકમાન્ડે કેન્દ્રીય મંત્રીઓને સોંપી છે. જેને લઈ અનેક કેન્દ્રીય મંત્રીઓ એકબાદ એક ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન સ્મૃતિ ઈરાનીએ ભાજપના અને વડાપ્રધાનના વખાણ કરતા કહ્યું કે નરેન્દ્ર મોદીએ અત્યારસુધી જેટલું કામ કર્યું છે એટલુ કામ કરવાની તાકાત અન્ય લોકોમાં નથી. આવા લોકો કામમાં તાકાત લગાડવાની જગ્યાએ માતાને અપશબ્દ બોલવામાં વેડફે છે. અનેક વખત ગુજરાતમાં રસાકસીનો માહોલ જામ્યો છે પરંતુ અત્યારસુધી કોઈના પણ માતા વિશે અપશબ્દ બોલ્યા નથી.