દિલ્હીમાં કેજરીવાલ સરકારે મોડેલ સ્માર્ટ સ્કૂલો બનાવીને સમગ્ર દુનિયાભરમાં વાહવાહી મેળવી છે. દિલ્હીની સરકારી સ્કૂલોની સુવિધાઓ પ્રાઈવેટ અને મોંઘીદાટ શાળાઓ કરતા પણ અનેકગણી સારી છે. ગુજરાત સરકારે પણ અમદાવાદમાં સ્માર્ટ સ્કૂલો શરૂ કરી છે. જો કે હાસ્યાસ્પદ બાબત એ છે કે ઈંગ્લિશ મીડિયમમાં 310 શિક્ષકની જગ્યા છે છતાં 65 કાયમી શિક્ષક જ છે, તેમાં 240 પ્રવાસી શિક્ષકોની ભરતી કરીને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. જોકે પ્રવાસી શિક્ષક કામચલાઉ જ કહેવાય છે.
કાયમી શિક્ષકોની ભરતી ક્યારે?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્માર્ટ સ્કૂલો તો બનાવી, પરંતુ એમાં ભણાવનાર કાયમી શિક્ષકોની નિમણૂક ના કરી શકી, જેથી સ્કૂલ બોર્ડ દ્વારા શરૂઆતથી જ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. સરકારી સ્કૂલોમાં કામચલાઉ શિક્ષકોની ભરતી કરવામાં આવે તો એ કેટલી હદે યોગ્ય કહેવાય તે સમજી શકાય છે વળી આવા પ્રવાસી શિક્ષકો તેમના કામ પ્રત્યે કેટલા જવાબદાર રહે છે તે સમજી શકાય તેવી બાબત છે.
શિક્ષકોની ભારે ઘટ વચ્ચે શિક્ષણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડે તમામ 49 વોર્ડ માટે સ્માર્ટ સ્કૂલો તૈયાર કરી છે, જો કે 1થી 5 ધોરણની અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલમાંથી 36 સ્કૂલોમાં એકપણ કાયમી શિક્ષક જ નથી, એટલે કે 36 સ્કૂલમાં પ્રવાસી શિક્ષકથી અભ્યાસ કરાવવામાં આવે છે, જ્યારે બાકીની સ્કૂલોમાં પણ પ્રવાસી શિક્ષક દ્વારા જ કેટલાક વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે. 1થી 5 ધોરણમાં 8088 બાળકો અભ્યાસ કરે છે અને તેમના વચ્ચે માત્ર 39 જ કાયમી શિક્ષકો છે. 1થી 5 ધોરણના 255ના મહેકમ સામે 216 અંગ્રેજી માધ્યમના શિક્ષકોની ઘટ છે. કાયમી શિક્ષકો ના હોવાથી જ AMC સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકની ભરતી કરવામાં આવી રહી છે.