વડોદરાના હરણી સ્થિત મોટનાથ તળાવમાં બોટ પલટી જવાથી ગઈકાલે 14 લોકોના કરૂણ મોત બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. સરકારે એડીશનલ કમિશ્નર મનોજ નિનામાના અધ્યક્ષતામાં SITની રચના કરી છે. આ તપાસ ટીમમાં સાત પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુનાની તપાસ ACP ક્રાઈમબ્રાંચને સોંપવામાં આવી છે. ડીસીપી પન્ના મોમાયાનો પણ SITમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ક્રાઈમબ્રાંચના ACP, 2 પીઆઈ અને એક PSIનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મામલે આજે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. ઉલ્લેખનિય છે કે ગઇકાલે હરણીમાં બોટ દુર્ઘટનામાં ન્યૂ સનરાઇઝ સ્કૂલના 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકો સહિત 14ના મોત થયા હતા.
15 લોકો વિરૂદ્ધ ફરિયાદ
પોલીસ કમિશ્રનર અનુપમસિંહ ગેહલોતે આરોપીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, કંપનીના 15 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની તપાસ માટે એડીશનલ સીપી મનોજ નિનામાના નેતૃત્વમાં SITની પણ રચના પણ કરી દેવામાં આવી છે. કોઈ પણ ગુનેગાર છોડવામાં આવશે નહીં. અત્યાર સુધીમાં 6 આરોપીઓને પકડવામાં આવ્યા છે. જેમાં રશ્મિકાંત પ્રજાપતિ,વેદ પ્રકાશ યાદવ,શાંતિલાલ સોલંકી,અંકિત વસાવા,ભીમ સિંહ યાદવ,નયન ગોહિલની અટકાયત કરીને તેમની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ તમામ છ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે પોલીસની પ્રાથમિક તપાસમાં બોટ ચલાવનારાઓની અને સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે. બોટમાં સવાર બાળકોને સેફટી જેકેટ પહેરાવવાનો નિયમ છે જેનું પાલન થયું ન હતું. બીજી બાજુ ક્ષમતા કરતા વધારે લોકોને બોટમાં બેસાડાતાં આખરે બેદરકારીનો ભોગ માસુમ બાળકો બન્યા હોવાનું સામે આવ્યું હતું.
કોન્ટ્રાકટરની સામે કાર્યવાહી શરૂ
વડોદરાના હરણીના મોટનાથ તળાવમાં બોટ દુર્ઘટનામાં સૌથી મોટો ખુલાસો થયો હતો. તળાવ ડેવલપનો કોન્ટ્રાક્ટ સમયે કોટિયા પ્રોજેક્ટમાં છ પાર્ટનરો હતા. પરંતુ હાલમાં કોટિયા પ્રોજેક્ટમાં 16 પાર્ટનરો છે. જેમ જેમ એક્ટિવિટી વધી, તેમ તેમ પાર્ટનરો પણ વધતા ગયા હતા. કયા પાર્ટનરને કઈ જવાબદારી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. મેઇન કોન્ટ્રાકટરને કોન્ટ્રાક્ટ આપ્યા બાદ એ કંપનીએ કોને કોને પેટા કોંટ્રાક્ટ સોંપ્યો તેની તપાસ થઇ રહી છે. 2017માં કોર્પોરેશને આપેલ કોંટ્રાક્ટમાં 4 ભાગીદાર હતા.પરેશ શાહનો દિકરો વત્સલ, ધર્મીન ભતાણી વહીવટ સંભાળતા હતા. 2017માં કોર્પોરેશન સાથે થયેલા કરારમાં પણ પરેશ શાહનું નામ નથી. પરેશ શાહના પુત્ર વત્સલ શાહ, પત્ની સહિત 4ના નામે કોન્ટ્રાક્ટ હતો.