દેશમાં સિગારેટના બંધાણીની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. દેશમાં મોટા પ્રમાણે સિગારેટનું સેવન સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. તેથી જ દેશમાં તમાકુ ઉત્પાદનો અને આલ્કોહોલના વપરાશ પર અસરકારક પ્રતિબંધ માટે ભલામણો કરવામાં આવી છે. સિંગલ સિગારેટ પર પ્રતિબંધની માગ કરવામાં આવી છે.
સંસદીય સમિતિએ કરી ભલામણ
સંસદની સ્થાયી સમિતિએ પણ સિંગલ સિગારેટના વેચાણ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો છે. સમિતિનું માનવું છે કે સિંગલ સિગારેટના વેચાણથી જ્યાં વપરાશ વધે છે ત્યાં તમાકુ નિયંત્રણ અભિયાનોને પણ ફટકો પડે છે. આ સાથે સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ એરપોર્ટના સ્મોકિંગ ઝોનને પણ બંધ કરવાની ભલામણ કરી છે.
તમાકુના સેવનથી કેન્સરનું જોખમ
કમિટીના જણાવ્યા અનુસાર GST લાગુ થયા બાદ પણ તમાકુ ઉત્પાદનો પર ટેક્સમાં બહુ વધારો થયો નથી. આવી સ્થિતિમાં સામાન્ય બજેટમાં તમાકુ ઉત્પાદનો પર ટેક્સમાં વધારો થાય તેવી શક્યતા છે. ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરને ટાંકીને સમિતિએ કહ્યું છે કે આલ્કોહોલ અને તમાકુના સેવનથી કેન્સરનું જોખમ વધી જાય છે.
ગુટખા, તમાકુ અને માઉથ ફ્રેશનર્સ પર પણ પ્રતિબંધ
કમિટિએ માત્ર સિગારેટ પર જ નહીં પણ ગુટખા, સુગંધી તમાકુ અને માઉથ ફ્રેશનર્સના નામે વેચાતી પ્રોડક્ટ પર પણ પ્રતિબંધ મૂકવાની હિમાયત કરી છે. તમાકુના ઉત્પાદનોમાંથી એકત્ર કરાયેલા ટેક્સનો ઉપયોગ કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે. ઉપરાંત, વધારાની રકમનો ઉપયોગ તમાકુ સામે જાગૃતિ ફેલાવવા માટે થવો જોઈએ. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે તમાકુ ઉત્પાદનો પર ટેક્સ વધારવાથી કેન્સરના કેસમાં ઘટાડો થઈ શકે છે.