રાજ્યમાંથી ઠંડી ધીરે ધીરે વિદાય લઈ રહી છે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે. મોટા ભાગના શહેરોમાં બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. સવારે તેમજ રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થતો હોય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે જેમ ઠંડીએ રેકોર્ડ તોડ્યા છે તેમ ગરમી પણ આ વખતે તમામ રેકોર્ડ તોડી શકે છે.
આકરો તાપ સહન કરવા રહેવું પડશે તૈયાર
ઘણા સમય બાદ રાજ્યમાં આ વખતે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થવાને કારણે તાપમાનનો પારો સતત ઘટી રહ્યો હતો. પરંતુ ધીરે ધીરે શિયાળાની સિઝન સમાપ્ત થઈ રહી છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થતા બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વખતે આકરો તાપ સહન કરવા તૈયાર રહેવું પડશે.
30 ડિગ્રીને પાર પહોંચ્યો તાપમાનનો પારો
વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો હમણાંથી 30 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં બપોરના સમયે 32 ડિગ્રી જેટલું નોંધાયું છે જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે. આણંદમાં 36 ડિગ્રી તાપમાન, અરવલ્લીમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હમણાંથી તાપમાનનો પારો વધી જતાં ઉનાળાના દિવસો દરમિયાન કાળઝાળ ગરમીનો અનુભવ થવાનો છે.