ગુજરાતમાં પ્રતિદિન આંદોલનો વધી રહ્યા છે. શિક્ષકો, આરોગ્ય કર્મી સહિત અનેક સરકારી કર્મચારી પોતાની માગને લઈ સરકાર વિરૂદ્ધ ધરણા કરી રહ્યા છે. ત્યારે જગતનો તાત પણ પોતાના અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે. છેલ્લા 24 દિવસથી ખેડૂતો ગાંધીનગર ખાતે આંદોલનો કરી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 24 દિવસ જેટલો સમય વિત્યા બાદ પણ પ્રશ્નોનો ઉકેલ ન આવતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂત આંદોલનને વધુ ઉગ્ર બનાવા બેઠક યોજાશે. જેમાં જિલ્લા, તાલુકા તેમજ ગામડાઓમાં પ્રદર્શન કરી સરકારનો વિરોધ કરવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવશે.
આંદોલનકારીઓમાં ખેડૂતોનો પણ સમાવેશ
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સરકારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક સરકારી કર્મચારીઓ પોતાની માગને લઈ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. જગતનો તાત પણ આ આંદોલનમાં જોડાયા છે. પોતાના મુદ્દાઓ સરકાર સુધી પહોંચાડવા તેઓ 24 દિવસથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.
અનેક નેતાઓના ઘર આગળ ખેડૂતોએ કર્યા ધરણા
ખેડૂતોએ અત્યાર સુધી કૃષિ મંત્રી, આરોગ્ય મંત્રી, ગૃહમંત્રી તેમજ મુખ્યમંત્રીના ઘર આગળ વિરોધ દર્શાવ્યો હતો. પરંતુ તે બાદ પણ તેમની માગ ન સ્વીકારાતા ખેડૂતો રોષે ભરાયા છે. તેમના આંદોલનને વેગ આપવા તેઓએ બેઠક કરવાના છે. આંદોલનને ઉગ્ર બનાવા તેઓ જિલ્લા, તાલુકા તેમજ ગામડાઓમાં પ્રદર્શન કરી શકે છે. સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી.
શું સરકારને નથી ખેડૂતોની પડી?
આટલા દિવસો સુધી આંદોલન કરી રહેલા ખેડૂતોનું
કહેવું છે કે સરકારી કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા વધુ પ્રયત્નશીલ છે. આજ દિન
સુધી સરકારે ખેડૂતો સાથે ચર્ચા નથી કરી અથવા તો વાતચીત કરવાની તૈયારી પણ નથી
બતાવી. તેનો અર્થ છે કે ખેડૂતો પ્રત્યેક સરકારને સહાનુભૂતિ જ નથી.