શાંત ગણાતા ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આંદોલનો થઈ રહ્યા છે. પોતાની પડતર માગને લઈ અનેક લોકો ગાંધીચિંધ્યા માર્ગને અપનાવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા શિક્ષકોની વિવિધ માગણીઓને લઈ અનેક ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ચૂંટણી બાદ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં ઢીલાશ રાખવામાં આવી હતી. પોતાના પડતર પ્રશ્નોને લઈ હવે શિક્ષકો લડી લેવાના મૂડમાં દેખાયા છે. પોતાના પડતર પ્રશ્નોનો ઉકેલ ઘણા સમયથી ન આવતા રાજ્યની ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકો આંદોલન કરવા રસ્તા પર આવે છે. અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ ના આવતા અંતે ગ્રાન્ટેડ સ્કૂલો માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા સરકાર સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમીતિએ સરકાર વિરૂદ્ધ શરૂ કર્યું આંદોલન!
શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. TET-TATના ઉમેદવારો ઘણા સમયથી આંદોલનના માર્ગે છે. ત્યારે હવે રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલમાં શિક્ષકો પણ પોતાની માગ સાથે રસ્તા પર આંદોલન કરવા તત્પર બન્યા છે. રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલમાં શિક્ષકોની ભરતીથી લઈને અનેક પ્રશ્નોને લઈ અલગ અલગ સંગઠન દ્વારા સરકાર અને શિક્ષણ વિભાગને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆતમાં માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે કોઈ પગલા લેવામાં આવ્યા નથી. બાંહેધરી અનુસાર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
અમદાવાદમાં પણ શિક્ષકોએ કર્યો વિરોધ પરંતુ પોલીસે તેમની કરી અટકાયત
ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારની નિરસતા સામે શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યની ગ્રાન્ટેડ સ્કુલોના સંચાલકો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ સહિત 50,000ની સંખ્યામાં લોકો જોડાયા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિક્ષકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે પણ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને બેનરો સાથે પોતાનો અવાજ, પોતાને પડતી મુશ્કેલી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.
કઈ માગ સાથે શિક્ષકોએ પકડ્યો ગાંધી ચિંધ્યો માર્ગ?
જો શિક્ષકોના પડતર પ્રશ્નોની માગની વાત કરીએ તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, શિક્ષકોની કાયમી ભરતી તથા બિન શૈક્ષણિક કર્મચારીઓને ભરતી આપ્યા બાદ ખાલી રહેલી જગ્યા પર કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. સાતમા પગાર પંચના તફાવતનો બાકીનો પાંચમો હપ્તો આપવામાં આવે સહિતની અલગ અલગ માગને લઈ શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મૌન ધરણા કરી શિક્ષકોએ નોંધાવ્યો વિરોધ
રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તબક્કાવાર શિક્ષકો પોતોના આંદોલનને આગળ વધાર્યું હતું. અમદાવાદમાં અલગ અલગ 10 જગ્યાઓ પર શિક્ષકો એકત્રિત થયા હતા, પરંતુ પોલીસ પરમિશન વગર આંદોલન કરવાના હતા જેને લઈ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. આજે શિક્ષકોએ મૌન ધરણા ધર્યા હતા. આવનાર સપ્તાહમાં સોમવારથી શનિવાર સુધી તેઓ શાળામાં વિદ્યાર્થીઓને ભણાવશે પરંતુ કાળા કપડા પહેરીને. વિરોધ પ્રદર્શન ન માત્ર અમદાવાદમાં પરંતુ ઈડરમાં પણ શિક્ષકોએ ધરણા કર્યા હતા. તે સિવાય મહિસાગરના શિક્ષકોએ પણ મૌન ધરણા ધરી સરકાર પ્રત્યે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
તબક્કાવાર શિક્ષકોએ કર્યું આંદોલન
પ્રથમ તબક્કામાં શિક્ષકોએ દરેક જિલ્લા કલેક્ટરને લેખિતમાં પોતાને પડતી મુશ્કેલીની વાત કરી હતી, બીજા તબક્કામાં જિલ્લાના ધારાસભ્ય અને સાંસદને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ત્રીજા તબક્કામાં કાળી પટ્ટી બાંધી શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો. ચોથા તબક્કામાં મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી. આટલી બધી વાર રજૂઆત છતાંય શિક્ષકોની માગ સ્વીકારાઈ ન હતી જેને લઈ શિક્ષકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.